જિનપિંગને ટ્રમ્પનું વ્હાઇટ હાઉસનું આમંત્રણ; તાઇવાન અને વેપાર મુદ્દે ગંભીર ચર્ચા
બીજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે તેમની વાતચીતને "ઐતિહાસિક" અને "સીમાચિહ્નરૂપ" ગણાવી હતી, પરંતુ કોઈ પણ વિવાદાસ્પદ મુદ્દાઓ પર કોઈ કરારની જાહેરાત કરવામાં આવી ન હતી.
બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે ઈરાન યુદ્ધ અને દ્વિપક્ષીય વેપાર સહિત વિવિધ વૈશ્વિક મુદ્દાઓને આવરી લેતા અનેક રાઉન્ડની વાટાઘાટો કરી હતી. બંન્ને વચ્ચે ઝોંગનાનહાઈ ખાતે એક ખાનગી બેઠક યોજાઈ હતી.ચીની અહેવાલ મુજબ ટ્રમ્પે આ યાત્રાને "ખૂબ જ સફળ અને અવિસ્મરણીય ગણાવી હતી.
જિનપિંગને "જૂના મિત્ર" ગણાવતા અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમને ચીની રાષ્ટ્રપતિ માટે "ખૂબ આદર" છે અને "ઈમાનદાર અને સારી વાતચીત" જાળવી રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસમાં શીનું સ્વાગત કરવા આતુર છે. ટ્રમ્પની મુલાકાત "ઐતિહાસિક" અને "સીમાચિહ્નરૂપ" ગણાવતા જિનપિંગે કહ્યું કે બંને પક્ષોએ વ્યૂહાત્મક સ્થિરતાના રચનાત્મક ચીન-યુએસ સંબંધો બનાવવાનું "નવું વર્ઝન" સ્થાપિત કર્યું છે.
અમે સ્થિર આર્થિક અને વેપાર સંબંધો જાળવવા વિવિધ ક્ષેત્રોમાં વ્યવહારુ સહયોગ વધારવા અને એકબીજાની ચિંતાઓને યોગ્ય રીતે સંબોધવા પર મહત્વપૂર્ણ સામાન્ય સમજૂતીઓ પર પહોંચ્યા છીએ. બંને પક્ષો આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત અને સંકલનને મજબૂત કરવા માટે પણ સહમત થયા છે.
તેમણે કહ્યું કે "જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવવાની આશા રાખે છે ત્યારે હું ચીની લોકોને રાષ્ટ્રીય કાયાકલ્પ તરફ દોરી જવા માટે સમર્પિત છું. શીએ ભાર મૂક્યો કે બંને દેશો સહકારને મજબૂત કરીને તેમના સંબંધિત વિકાસને આગળ વધારી શકે છે. શીએ કહ્યું કે નેતાઓએ વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે "રચનાત્મક, વ્યૂહાત્મક અને સ્થિર સંબંધો માટે એક નવી સ્થિતિ" સ્થાપિત કરી છે.
બંને નેતાઓએ ગુરુવારે પણ વાતચીત કરી હતી જે દરમિયાન જિનપિંગે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તાઇવાન મુદ્દા પર હસ્તક્ષેપ કરવાથી બંન્ને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલ નિવેદન અનુસાર, ટ્રમ્પે 24 સપ્ટેમ્બરે શીને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું કારણ કે બંને નેતાઓ સંમત થયા હતા કે ઊર્જાના મુક્ત પ્રવાહને ટેકો આપવા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રહેવું જોઈએ.