(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી તેમ જ તેને કારણે ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર આવતાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો અને સત્ર દરમિયાન નીચામાં 44 પૈસાના ઘટાડા સાથે 96.14ની નવી ઐતિહાસિક નીચી સપાટી નોંધાવી હતી. જોકે સંભવિતપણે રિઝર્વ બૅન્કના હસ્તક્ષેપથી સત્રના અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસાના ઘટાડા સાથે 95.81ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયામાં લગભગ છ ટકા સુધીનું અને ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી છેલ્લાં છ સત્રમાં બે ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. વધુમાં અમેરિકાના રિટેલ વેચાણના ડેટા મજબૂત આવ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક પરિબળો જોઈએ તો સીધા વિદેશી રોકાણનો નબળો આંતરપ્રવાહ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીની રૂપિયા પર માઠી અસર પડી રહી હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિક બજારમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.64ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.86ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.14 અને ઉપરમાં 95.69ની રેન્જમાં રહીને અંતે 17 પૈસાના ઘટાડા સાથે 95.81ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણે બે પૈસાનો સુધારો આવ્યો હતો.
ક્રૂડતેલના વધતા ભાવની સાથે ફુગાવામાં થનારા અપેક્ષિત વધારાની ચિંતા, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહે તેવી શક્યતા છે અને રૂપિયો 95.60થી 96.20ની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ સંભવિતપણે ગબડતાં રૂપિયાને ટેકો આપી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.34 ટકા ઉછળીને 99.15 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 3.14 ટકાની તેજી સાથે બેરલદીઠ 109.04 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 160.73 પૉઈન્ટનો અને 46.10 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 187.46 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું, તેમ જ ગત એપ્રિલ મહિનામાં દેશની નિકાસમાં 13.78 ટકાનો અને આયાતમાં 10 ટકાનો વધારો થયો હતો અને વેપાર ખાધ 28.28 અબજ ડૉલરના સ્તરે રહી હોવાના અહેવાલની પણ રૂપિયા પર ખાસ અસર જોવા ન મળી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.