નવી દિલ્હીઃ ગત સોમવારે સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત વધારીને 15 ટકા કરી હતી. આ સંદર્ભે હાલમાં ઑલ ઈન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમૅસ્ટિક કાઉન્સિલ(જીજેસી) તેના ઝોનલ કમિટીના સભ્યો, વેપારી સંગઠનો અને જ્વેલરો સાથે સલાહ મસલત કરી રહ્યા છે અને ત્યાર બાદ અંદાજે આગામી સપ્તાહે વડા પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
જીજેસીનાં અધ્યક્ષ રોકડેએ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે બૃહદ આર્થિક ચિંતાઓ અને રાષ્ટ્રીય આર્થિક પ્રાથમિકતાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદીની કસ્ટમ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાના પગલાંને કારણે ઉદ્યોગે કેવાં પડકારોનો સામનો કરવો પડશે એ અંગે ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
અમેરિકી સરકારને વિનંતી કરીએ છીએ કે રિસાઈકલિંગને પ્રોત્સાહન આપવા માટે બદલવામાં આવતી જ્વેલરી સામેના જીએસટીના દર ઘટાડીને 0.3 ટકા કરવામાં અને બજારમાં જૂનો માલ ફરતો થાય તે માટે જે લોકો જ્વેલરીનું વેચાણ કરવા ઈચ્છુક હોય તેવા કિસ્સામાં કેપિટલ ગેઈન ટેક્સને નાબૂદ કરવામાં આવે. એકંદરે આ ઉદ્યોગમાં અંદાજે 50થી 60 લાખ સીધા રોજગાર અને 50થી 60 લાખ આડકતરા રોજગાર સંકળાયેલા હોવાથી રોજગારને માઠી અસર ન પડે તે માટે પડકારોના સમયમાં આપણે રસ્તા ખોળવા જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે જીજેસી દેશભરનાં છ લાખ કરતાં વધુ જ્વેલરોનું પ્રતિનિધિત્વ કરે છે.
હાલના સંજોગોમાં સમગ્ર ઉદ્યોગ રાષ્ટ્રની સાથે છે અને સરકારના રાષ્ટ્રહીત માટે લેવાયેલા નીતિવિષયક નિર્ણયને આવકારે છે. અમને વિશ્વાસ છે કે જવાબદારીપૂર્વકના વેપાર જળવાયેલા રહેશે અને રાષ્ટ્રીય આર્થિક અગ્રતાક્રમને ધ્યાનમાં લેતાં ઉદ્યોગ દ્વારા સકારાત્મક વલણ અપનાવવામાં આવશે.
ેતેમણે ઉદ્યોગને જ્વેલરોને ગ્રાહકો દ્વારા થતી સોનાની લગડી અને કોઈનની ખરીદીને હતોત્સાહિત કરવા અને જૂની યંત્રણા મુજબ આભૂષણોના વેચાણને મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે જેથી દેશની ચાલુ ખાતાની ખાધ દબાણ હેઠળ લાવવા મદદરૂપ થઈ શકાય.
જીજેસીનાં વાઈસ ચેરમેન અવિનાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે ઘરગથ્થુ ધોરણે ફાઝલ પડી રહેલું સોનું એકત્રિત કરવા ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ સહિત આયાતનિર્ભરતા ઘટાડવા, દેશમાં લાંબાગાળાની આર્થિક સ્થિરતાને ટેકો આપવા જેમ અને જ્વેલરી ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે કાઉન્સિલે એક રોડમેપ પણ સુપરત કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.