Wed May 06 2026

Logo

ક્રૂઝ શિપ પર હંટાવાયરસના કેસની સંખ્યા 8 પર પહોંચી: WHOએ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરુ કર્યું

Geneva   2026-05-06 17:06:05
Author: Savan Zalariya
Article Image

જીનીવા: કોરોના વાયરસ બાદ હવે દુનિયા સામે હંટાવાયરસનું જોખમ ઉભું થયું છે. MV હોન્ડિયસ નામના એક ક્રુઝ જહાજ પર હંટાવાયરસના ફાટી નીકળતા ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ બુધવારે જણાવ્યું હતું કે ક્રુઝ પર હંટાવાયરસના કેસની સંખ્યા આઠ પર પહોંચી છે. જહાજ પર ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે.

આર્જેન્ટિનાથી રવાના થયા બાદ MV હોન્ડિયસ ક્રુઝ જહાજ પશ્ચિમ આફ્રિકા પાસે એટલાન્ટીક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ કેપ વર્દેમાં લંગારેલું છે. જહાજ પર સવાર થયા પહેલા મુસાફરો કોના સંપર્કમાં આવ્યા હતાં એની WHOએ તપાસ શરુ કરી છે. હંટાવાયરસ દુર્લભ એન્ડીઝ સ્ટ્રેનના વધુ ફેલાવાને રોકવા માટે WHO દોડધામ કરી રહ્યું છે.

X પરની એક પોસ્ટમાં, WHO એ જણાવ્યું કે સ્વિસ અધિકારીઓએ ક્રુઝ શિપના એક મુસાફરને હંટાવાયરસનો  ચેપ લાગ્યો હોવા કેસની પુષ્ટિ કરી હતી, સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

WHOએ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ(IHR) અનુસાર આંતરરાષ્ટ્રીય કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ આપવા માટે સંબંધિત દેશો સાથે મળીન કામ કરી રહ્યું છે, જેથી ખાતરી કરી શકાય કે ચેપગ્રસ્ત લોકો જે લોકોના સંપર્કમાં આવ્યા હતાં તેમન પર નજર રાખી શકાય.

WHO એ પુષ્ટિ આપી છે કે ક્રુઝ પર જે વાયરસ ફાટી નીકળ્યો છે, એ હંટાવાયરસનો એન્ડીઝ સ્ટ્રેન છે, જે એક દુર્લભ વેરીયન્ટ છે, જેનું વ્યક્તિ-થી-વ્યક્તિમાં ટ્રાન્સમિશન થઇ શકે છે. દક્ષિણ આફ્રિકામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ અને સ્વિટ્ઝર્લૅન્ડમાં જીનીવા યુનિવર્સિટી હોસ્પિટલ્સ દ્વારા આ સ્ટ્રેનની ઓળખ કરવામાં આવી હતી.

ડબ્લ્યુએચઓએ સેનેગલમાં ઇન્સ્ટિટ્યુટ પાશ્ચર ડી ડાકાર અને આર્જેન્ટિનાના એડમિનિસ્ટ્રેશન નેસિઓનલ ડી લેબોરેટોરિઓસ ઇ ઇન્સ્ટિટ્યુટોસ ડી સલુડ દ્વારા તપાસમાં સહાયની પ્રશંસા કરી છે.

દક્ષિણ આફ્રિકાના આરોગ્ય અધિકારીઓએ અગાઉ પુષ્ટિ આપી હતી કે જહાજમાંથી બહાર કાઢવામાં આવેલા  બે મુસાફરોમાં એન્ડીઝ સ્ટ્રેનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમાંથી એક, એક બ્રિટિશ વ્યક્તિ, દક્ષિણ આફ્રિકાની એક હોસ્પિટલમાં ઇન્ટેન્સીવ કેર હેઠળ છે.

WHO એ જણાવ્યું હતું મૃત્યુ પામેલી ડચ મહિલા અને તેના પતિ જહાજ પર ચઢતા પહેલા આર્જેન્ટિના અને દક્ષિણ અમેરિકાના અન્ય ભાગોમાંથી પ્રવાસ કર્યો હતો.