Tue Aug 25 2026

Logo

ફિફા વર્લ્ડ કપમાં ત્રણ ઓપનિંગ સેરેમની, નોરા ફતેહી પર્ફોર્મ કરશે આ દેશના સમારોહમાં...

Coral Gables   2026-05-09 19:08:29
Author: Ajay Motiwala
ફિફા વર્લ્ડ કપમાં ત્રણ ઓપનિંગ સેરેમની, નોરા ફતેહી પર્ફોર્મ કરશે આ દેશના સમારોહમાં...

કૉરલ ગેબલ્સ (અમેરિકા): આગામી 11મી જૂને ફૂટબૉલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફિફા (Fifa) વર્લ્ડ કપ શરૂ થશે અને એમાં એક કે બે નહીં, પણ ત્રણ ઓપનિંગ (opening) સેરેમની યોજાશે. ઉલ્લેખનીય છે કે 12મી જૂને કૅનેડામાં જે પ્રારંભિક સમારોહ યોજાશે એમાં બૉલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી સ્ટેજ પર પર્ફોર્મ કરશે. એ સાથે, નોરાને આંતરરાષ્ટ્રીય ફલક પર કરીઅરને નવો વળાંક મળશે.

આ બહુચર્ચિત ફિફા વિશ્વ કપ અમેરિકા, કૅનેડા તથા મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાવાનો છે. 11મી જૂને પહેલી ઓપનિંગ સેરેમની મેક્સિકોમાં યોજાશે. બીજો તથા ત્રીજો ઓપનિંગ સમારોહ અમેરિકા તથા કૅનેડામાં યોજાશે.

11મી જૂનના મેક્સિકોના ઓપનિંગમાં ખાસ કરીને મેક્સિકન ઍલેયેન્ડ્રો ફર્નાન્ડેઝ તથા બેલિન્ડા પર્ફોર્મ કરશે. ઓપનિંગ સેરેમની પ્રથમ મૅચની 90 મિનિટ પહેલાં યોજાશે. એ દિવસે પ્રથમ મૅચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે તથા બીજી મૅચ ચેક રિપબ્લિક અને સાઉથ કોરિયા વચ્ચે રમાશે.

12મી જૂને કૅનેડામાં જે ઓપનિંગ સેરેમની યોજાશે એમાં નોરા ફતેહી તેમ જ અન્ય જાણીતા સિંગર્સ અને ડાન્સર્સ માઇકલ બબલ, ઍલેસિયા કૅરા, ઍલનિસ મૉરિસેટે, જેસી રેયેઝ વગેરે પર્ફોર્મ કરશે. આ સમારોહ બાદ ટૉરન્ટોમાં પ્રથમ મૅચ કૅનેડા અને બોસ્નિયા ઍન્ડ હર્ઝેગોવિના વચ્ચે રમાશે.

12મી જૂને અમેરિકાના કૅલિફોર્નિયામાં પણ ઓપનિંગ સેરેમની યોજાશે. અમેરિકા અને પારાગ્વે વચ્ચેની મૅચ પૂર્વે ઓપનિંગ સેરેમનીમાં જગમશહૂર સિંગર કૅટી પેરી પર્ફોર્મ કરશે. તેના ઉપરાંત જાણીતા રૅપર ફ્યૂચર, લિસા તથા ટાયલા તેમ જ સિંગર ઍનિટા, રેમા તથા ડીજે સૅન્જૉય સ્ટેજ પરથી હજારો પ્રેક્ષકો અને કરોડો દર્શકોનું મનોરંજન કરશે.

11મી જૂનથી 19મી જુલાઈ સુધી ચાલનારા ફિફા વર્લ્ડ કપમાં કુલ 48 દેશની ટીમ ભાગ લેશે અને એ સાથે ફિફાના ઇતિહાસમાં નવો વિક્રમ રચાશે.