Thu Mar 12 2026

Logo

લામા પવેલિયન - ચિલી

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ

હેમંત વાળા

સ્થપતિ પેજો જોન એલ્રિચશૌસેન દ્વારા નિર્ધારિત કરાયેલ આ `આઉટલુક ટાવર' એક એકદમ સાદગી ભરેલી પણ રસ ઉત્પન્ન કરી શકે તેવી રચના છે. આ એક ઇન્સ્ટોલેશન શૈલીનું, ન્યૂનતમવાદી, ભૌમિતિક આકાર માટેનો દ્રઢ લગાવ દર્શાવતું, સરળ મકાન છે. દૂર જંગલની વચમાં આ આકાર વિરોધાભાસ ઊભો કરે છે અને આજુબાજુની પરિસ્થિતિ સાથે એક વિશેષ પ્રકારનો સંબંધ પણ સ્થાપે છે.

આ એક નાનું બાંધકામ છે જે રોજિંદા ઉપયોગ માટે હોય તેમ લાગતું નથી. ક્યારેક અહીં આવીને અમુક સમય પસાર થઈ શકે. બની શકે કે આ રચના નજીકના કોઈ ઘરના સાનિધ્યમાં બનાવાઈ હોય. એક રીતે જોતાં આ મકાન ભલે આજુબાજુની પરિસ્થિતિ સાથે દૃશ્ય સંપર્ક માટે આ રીતે બનાવાયું હોય પણ તેમાં જે રીતે ઓપનિંગ્સ રખાયાં છે, જે રીતે ઉપયોગમાં ન આવે એવી બાલકની કહી શકાય તેવી પાણી માટેની પ્લેટ બનાવાઇ છે, જ્યાં અગાસીનો મહત્તમ ઉપયોગ જરૂરી પણ હોય અને સંભવ પણ હોય ત્યાં તેની અવગણના થઈ છે - તે જોતાં તો એમ જણાય છે કે આ મકાનમાં આ બેસવા કરતાં બહાર ખુરશી નાખીને બેસવાની વધારે મજા આવે. 

સ્થાપત્યનો આ મૂળભૂત પ્રશ્ન છે. અહીં જે પ્રકારના દાવા કરવામાં આવે છે તે પ્રકારની હકીકત જોવા નથી મળતી. આ મકાન તેની ભૌમિતિક દ્રઢતાને કારણે ઉલ્લેખનીય છે પણ તેની ઉપયોગિતાની સફળતા માટે પ્રશ્નો તો છે જ.

ઉપયોગિતાની દ્રષ્ટિએ અહીં કશું જ નિર્ધારીત નથી. બધું જ થઈ શકે. એમ પણ કહી શકાય કે અહીં શું શું થઈ શકે તે વિશે વ્યક્તિને વિચાર કરવો પડે. અહીં જે રીતે સ્થાન નિર્ધારણ થયું છે તે, સામાન્ય સમજ પ્રમાણે, કોઈપણ પ્રકારની ઉપયોગિતા માટે સૂચન નથી કરતું. એક પ્રતિક તરીકે કાં તો એક સ્મારક તરીકે આ પ્રકારની રચના માન્ય બને.

ઉપયોગિતાની દ્રષ્ટિએ આ મકાન માટે કેટલાક પ્રશ્નો હોઈ શકે પણ તેની દ્રશ્ય અનુભૂતિ સમૃદ્ધ છે. સન 2023માં તૈયાર થયેલ માત્ર 35 ચોરસ મીટર વિસ્તારની આ રચના આમ તો ઉલ્લેખનીય નથી, પરંતુ તેની પાછળ જે દ્રઢ કન્વિકશન છે તે વાત અનોખી છે. એમ કહી શકાય કે આ ટાવર એક ઊભી સીડીની ચારેબાજુ ઘનાકાર ગોઠવીને કરી દેવાઇ છે. 

સ્થાપતિના અભિપ્રાય પ્રમાણે આ એક ઝૂંપડી છે, જેની અંદર ઝૂંપડી જેવી ન્યૂનતમતાનો અનુભવ થઈ શકે. વાસ્તવમાં આમ થતું હશે કે કેમ તે એક પ્રશ્ન છે. કારણ કે જ્યાં સ્થાપત્યનો આકાર, તેની સામગ્રી, તેમાં પ્રયોજાયેલ ભૂમિતિ તથા બહારના વિશ્વ સાથેનો તેનો સંપર્ક આધુનિક કહી શકાય તે શૈલીનો હોય તો પછી ત્યાં ઝૂંપડાની અનુભૂતિ મુશ્કેલ તો બને.

એકાંતમાં થતી એકાંતની દ્રઢ અનુભૂતિ, ચારે દિશાને અપાયેલ સમાન પ્રતિભાવ, શક્ય હોય તેટલી-હદ સુધીની સાદગી, ટાવરની ઊંચાઈની દ્રશ્ય અનુભૂતિને તોડવા માટે પાણીનો કરાયેલ અસરકારક ઉપયોગ, રફ કોન્ક્રીટના ચોસલાની અંદર વિરોધાભાસ સમાન જણાતી લોખંડની સર્પાકાર જાળી, સ્થાપત્યના ભાગ તરીકે જ ભીંતચિત્રનો ઉપયોગ, બંધિયાર ચોસલા તથા તેનાં ઓપનિંગ્સ વચ્ચે ગાણિતિક સંબંધ, પાણીની પ્લેટથી ઊભી થતી નાટકીયતા, કોઈપણ પ્રકારનું ખલેલ ન પહોંચાડી શકે તેવું વિગતીકરણ અને આ બધા સાથે ઊંચાઈને કારણે સ્થાપિત થતું મહત્ત્વ - આ પેવેલિયનની આ ખાસિયત છે.

એમ જણાય છે કે આની રચના બે અલગ ટાવરને પરસ્પર જોડીને નિર્ધારિત કરાઇ છે. ક્યારેક ટાવરના ઉપરના ભાગનું પ્રતિબિંબ નીચે પડતું હોય તેમ જણાય છે. આમ થવાનું કારણ એ છે કે વચ્ચે પાણીની પ્લેટ મૂકવામાં આવી છે અને ઉપરનો અને નીચેનો, બંને ભાગ લગભગ સમાન બનાવાયા છે. આ પાણીની પ્લેટ ચારે બાજુ ઝૂલતી-કેન્ટીલીવર છે, જેમાં પાણી એકત્રિત થાય છે. આ પ્લેટ એટલી છીછરી છે કે એમ જણાય છે કે તેમાંના પાણીનું અમુક કલાકોમાં જ બાષ્પીભવન થઈ જાય. ઉપરથી જોતાં આ પાણીની અંદર જે પ્રતિબિંબ સર્જાય છે તે રસપ્રદ બની રહે છે.

સ્થાપત્યમાં ભૂમિતિનું મહત્ત્વ વધુ રહ્યું છે. ભૌમિતિક ચોકસાઈથી માળખાગત રચના સરળ બની શકે. ભૂમિતિના પ્રયોજનથી ચોક્કસ પ્રકારની સ્પષ્ટતા ઉભરે. ભૂમિતિના ચોક્કસ નિયમો હોવાથી અમુક પ્રકારના નિર્ણયો લેવામાં સરળતા રહે. બધું જ ભૂમિતિને આધારિત હોવાથી જે તે નિર્ણય બાબતે પ્રશ્નો ઓછા થાય. ભૂમિતિને કારણે એક ચોક્કસ પ્રકારની સ્વીકૃતિ પણ મળી રહે. આ પ્રકારની રચનામાં સ્પષ્ટતા વધુ જોવા મળે. આ બધાં સાથે ભૌમિતિક આકારની મર્યાદાઓ પણ છે. ભૌમિતિક આકાર ક્યારેક માનવીય સંવેદના ઉપર હાવી થઈ જાય. આ એક ઇચ્છનીય બાબત નથી. જ્યારે પણ ભૂમિતિનો ઉપયોગ કરીને સ્થાપત્ય નિર્ધારણ થાય ત્યારે આ વાત નજર અંદાજ થતી રહી છે, આજે પણ થાય છે.

સારું સ્થાપત્ય કોને કહેવાની તેની ચર્ચા હવે બહુ જરૂરી છે. સ્થાપત્ય એ નથી શિલ્પ કે નથી મશીન. તે શિલ્પ અને મશીનના સમન્વય સમાન છે. સ્થાપત્યના નામે જ્યારે માત્ર મશીન બને કે જ્યારે માત્ર શિલ્પ બને ત્યારે સ્થાપત્યની તે નિષ્ફળતા ગણાય.