Wed Aug 19 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ મંડેલા ઇફેક્ટ: હમ જહાં ખડે રહતે હૈ

2026-08-15 10:18:00
Author: Jaywant Pandya
Article Image

જ્યવંત પંડ્યા

મહેમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર કેટલી વાર આક્રમણ કર્યું હતું? મોટા ભાગના લોકો ઉત્તર આપશે, 17 વાર. મોટા ભાગના એટલે બહુમતી લોકો. ઉત્તર ખોટો છે. મહેમૂદ ગઝનીએ સત્તર વાર ભારતનાં અલગ-અલગ સ્થાનો પર આક્રમણ કર્યું હતું. સોમનાથ પર તો એક જ વાર આક્રમણ કર્યું હતું અને સોમનાથ પર પણ ચાર વાર અલગ-અલગ આક્રાંતાઓએ આક્રમણ કર્યું છે. સત્તર વાર નહીં. 

એક વાર મહેમૂદ ગઝનીએ. તે પછી અલાઉદ્દિન ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાને. એ પછી દિલ્હી સલ્તનતના રાજ્યપાલ અથવા સૂબેદાર ઝફર ખાને. અને તે પછી કટ્ટર મઝહબી ઔરંગઝેબે ઈ. સ. 1665માં તેને તોડીને મસ્જિદ બનાવી નાખવા આદેશ આપ્યો હતો, પરંતુ તે ફળીભૂત થયો નહીં. એ પછી ઈ. સ. 1706માં તેણે આ આદેશ ફરી આપ્યો, પરંતુ ફરી એક વાર આ આદેશનું પાલન થયું નહીં.

વિચાર કરો કે લોકોમાં કેવી ખોટી ભ્રમણા ઊભી થઈ ગઈ કે સોમનાથ મંદિર જે પશ્ચિમી રાજ્યમાં એકદમ દક્ષિણે આવેલું છે ત્યાં સુધી ગુજરાત-રાજસ્થાનના શૂરવીર રાજાઓને હરાવીને ભારતની બહારના કે અંદરના મોગલ લૂંટારા આવીને લૂંટીને, મંદિરને નષ્ટ કરીને એમ ને એમ ચાલ્યા જઈ શકે ખરા?

આ તો જૂની વાતો થઈ. લોકમુખે જે વાત કહેવાય તે ફરતીફરતી અલગ જ સ્વરૂપ ધારણ કરી લે છે. ચાઇનીઝ વ્હિસ્પર રમતમાં એક સમૂહ હોય છે. તેમાંથી એક વ્યક્તિને કાનમાં એક વાક્ય કહેવામાં આવે છે. તેણે તે વાક્ય બીજા વ્યક્તિને, બીજો વ્યક્તિ ત્રીજાને, તેમ કરતાં- કરતાં છેલ્લી વ્યક્તિ જ્યારે તે વાક્ય બોલે છે ત્યારે તે જુદું જ હોય છે.

આવું સાચે જ બનતું હોય છે. નેલ્સન મંડેલા 2013 સુધી એટલે કે 95 વર્ષ જીવ્યા. છેલ્લા તબક્કામાં પાંચ વર્ષ તો તે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ 1994થી 1999 રહ્યા. એ પછી પણ તેઓ સેવાકીય રીતે પ્રવૃત્ત રહ્યા. એટલે કે તે  સમાચારમાં પણ ચમકતા રહેતા હતા. આમ છતાં દુનિયાના ઘણા લોકોના મનમાં એવું ઠસી ગયું હતું કે નેલ્સન મંડેલા તો 1980ના દાયકામાં જ મૃત્યુ પામ્યા હતા. કદાચ તેનું કારણ એ હતું કે મંડેલા તેમના જીવનનાં 27 વર્ષ જેલમાં રહ્યા અને આ 27 વર્ષમાં દસ વર્ષ 1980નો દાયકો હતો.

મીડિયા અને સોશ્યલ મીડિયાના સમયમાં લોકોની સ્મૃતિમાં ખોટો ડેટા ફિટ થઈ ગયો હતો ! આને `મંડેલા ઇફેક્ટ' કહે છે. આ શબ્દ આપ્યો અગોચર સંશોધક ફિયોના બ્રૂમેએ. તેની પોતાની જ સ્મૃતિમાં નેલ્સન મંડેલા વિશે આવી ખોટી વાત ઠસાઈ ગઈ હતી. 2009માં યોજાયેલા એક પરિસંવાદમાં તેણે આ વાત યાદ કરી તો કોઈએ ન કહ્યું કે આ વાત ખોટી છે.

ઊલટું, બધાએ સૂર પુરાવ્યો. અર્થાત્‌‍ કહેવાતા વિદ્વાનો, જેમની પાસે મીડિયાનો એક્સેસ હોય છે, પહોંચ હોય છે, તેમની સ્મૃતિમાં આવી ભ્રમણા સત્ય તરીકે ભરાયેલી હોઈ શકે.

આવું ઘણા બધા સાથે થતું હોય છે. એક જ ઘટના એક સાથે અલગ-અલગ લોકોના જીવનમાં બને તો તે ઘટનાનું વર્ણન, તેનો ઉદ્ભવ, તે કેવી રીતે બની, તેમાં ઘટનાઓનો ક્રમ, તે બધું અલગ-અલગ હોઈ શકે. પરિવારમાં ઘણી વાર કોઈ વ્યક્તિને સારી રીતે રાખવામાં આવી હોય, પરંતુ જો તેના મનમાં ઠસી ગયું કે તેને તો સદા અપમાનિત કરાતી હતી, હડધૂત કરાતી હતી, જોઈએ તેવો પ્રેમ નથી કરાયો તો કોઈ તેના મનમાંથી એ ભ્રમણા કાઢી નહીં શકે.

આજે તો મોબાઇલનો જમાનો છે. છેલ્લાં પંદરેક વર્ષથી આપણી પાસે ફોટો અને વીડિયો છે, છતાંય પરિવારના લોકોને પાંચેક વર્ષ પહેલાંની સ્મૃતિ વિશે પૂછશો તો તેમને અમુક વાતો યાદ નહીં હોય.

જો લોકોને પૂછવામાં આવે કે `હમ જહાં ખડે હોતે હૈ, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ' એ સંવાદ કોનો છે? તો મોટા ભાગના કહેશે કે અમિતાભ બચ્ચનનો. હકીકતમાં `કાલિયા' ફિલ્મમાં આ સંવાદ કેદી બોબ ક્રિસ્ટો બોલે છે. તેના પ્રતિભાવમાં કાલિયા (અમિતાભ) કહે છે, હમ ભી વો હૈ જો કભી કિસી કે પીછે ખડે નહીં હોતે, જહાં ખડે હો જાતે હૈ, લાઇન વહીં સે શુરૂ હો જાતી હૈ. 

અને બધાને શું યાદ રહી ગયું? હમ જહાં ખડે હોતે હૈ, લાઇન વહીં સે શુરૂ હોતી હૈ એવું અમિતાભ બોલે છે.

(આ સંવાદમાં જો તમે પાછળ `હંય' બોલ્યા હો તો તે પણ ખોટું ઠસી ગયું છે. અમિતાભ અહીં એનું લાક્ષણિક `હંય' બોલતા નથી!.)

એ જ રીતે અમિતાભ બચ્ચનને પણ જ્યારે `શહનશાહ'નો સંવાદ બોલવાનું કહેવાય છે ત્યારે તે બોલે છે, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહનશાહ. પણ ફિલ્મમાં સંવાદ આ રીતે છે, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ હોતે હૈ, નામ હૈ શહનશાહ. (અહીં પણ તે `હંય' નથી બોલતા .)

આવા સંવાદો લખતા તે સલીમ ખાન (સલીમ-જાવેદ)ના દીકરા સલ્લુ મિયાંનો પણ  એક સંવાદ છે, એક બાર કમિટમેન્ટ કર દી સલમાનને પોતાને પૂછવામાં આવશે તો તે પણ કહેશે, એક બાર મૈંને કમિટમેન્ટ કર દી, તો ફિર મૈં ખુદ કી ભી નહીં સુનતા. પરંતુ ફિલ્મમાં સલમાન બોલે છે, એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી, ઉસ કે બાદ તો મૈં અપને આપ કી ભી નહીં સુનતા.

લોકોનું પણ આવું જ છે. એક બાર જો મેમરી મેં ડાલ દિયા, ઉસ કે બાદ તો મૈં કિસી કી (સચ્ચી બાત) ભી  નહીં સુનતા...!