કામિની શ્રોફ
આજે 15 ઓગસ્ટ. આપણો સ્વાતંત્ર્ય દિન -Independence Day. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાને 79 વર્ષ પૂરા થઈ 80મું બેઠું. રસપ્રદ વાત એ છે કે ત્રણ એશિયાઈ દેશ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, બેહરીન તેમજ મધ્ય આફ્રિકન દેશ કોંગો અને યુરોપિયન દેશ લિક્ટનસ્ટાઈનનો સ્વાતંત્ર્ય દિન પણ 15 ઓગસ્ટ જ છે. હા, બધાના વર્ષ અલગ અલગ છે.
હેરત પમાડે એવી વાત એ કે પહેલા 2017માં અને આ વર્ષે મે મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાત લઈ મહત્ત્વના કરાર કરી આવ્યા એ યુરોપિયન દેશ નેધરલેન્ડ્સનો Independence Day- સ્વાતંત્ર્ય દિન જ નથી. આ દેશમાં Liberation Day and Kings Day (મુક્તિ દિન અને રાજાનો દિવસ)નું માહાત્મ્ય છે.
મુક્તિ દિન
બીજા વિશ્વયુદ્ધના અંતે નેધરલેન્ડ્સને મળેલા સ્વાતંત્ર્ય નિમિત્તે (Liberation Day- Bevrijdingsdag, In Dutch language Bevrijdings means Liberation and dag means day) મુક્તિ દિન ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1939થી 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું હતું. આ ભીષણ લડાઈ પૂરી થયા પછી `મુક્તિ દિન' પાંચમી મેના દિવસે ઉજવવાનું નક્કી થયું. આ તારીખે જર્મન લશ્કરનો પરાજય થયો અને હિટલરની નાગચૂડમાંથી મુક્તિ મળી હોવાથી પાંચમી મેની વરણી થઈ હતી.
આ દિવસે ઉજવણી અને ઉત્સવનો માહોલ હોય છે, પણ દર પાંચ વર્ષે એક વાર આ દિવસ સત્તાવાર રજા તરીકે ઘોષિત થાય છે. બેન્ક, પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણા વ્યવસાય એ દિવસે બંધ રહે છે. કેટલાક પ્રાઈવેટ સ્ટોર્સ સુધ્ધાં એ દિવસે શટર ઉઘાડતા નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ લગભગ બંધ. મુખ્ય ઉજવણી દેશની રાજધાની એમસ્ટડેમમાં થાય છે જ્યાં ડચ તેમ જ આંતરરાષ્ટ્રીય સંગીતકાર પોતાની પ્રતિભા દર્શાવે છે.
કિગ્સ-ડે
Monarchy- રાજાશાહીનો ઈતિહાસ ઘણો જૂનો છે. પ્રાચીન ઈજિપ્ત- મેસોપોટેમિયામાં પાંચ હજાર વર્ષ પહેલા રાજાશાહી હતી. ઈસવીસનના પ્રારંભ પછી ઈ.સ. 970માં સ્વિડનમાં પ્રથમ રાજાશાહી શાસનનો ઉલ્લેખ છે.
2026 અનુસાર વિશ્વના 43 સાર્વભૌમ રાષ્ટ્રમાં રાજાશાહી અસ્તિત્વ ધરાવે છે જ્યાં રાજા દેશનો વડો હોય. એમાંથી એશિયામાં 13, યુરોપમાં 12, અમેરિકામાં 9, ઓસિયાનામાં 6 અને આફ્રિકામાં 3 રાષ્ટ્રનો સમાવેશ છે.
યુરોપના ડઝન દેશમાં નેધરલેન્ડ્સનો પણ સમાવેશ છે. દર વર્ષે 27 એપ્રિલે પણ જો એ દિવસે રવિવાર હોય તો 26 એપ્રિલે `કિગ્સ- ડે'ની ઉજવણી કરવામાં આવે છે. વર્તમાન રાજા કિગ વિલિયમ - એલેકઝાન્ડરની વરસગાંઠ નિમિત્તે આ ઉજવણી થાય છે.
રાષ્ટ્રીય એકાત્મકતા કેળવાય એ આશય સાથે 1885માં 31 ઓગસ્ટના દિવસે `પ્રિન્સેસ- ડે' તરીકે ઉજવણી શરૂ કરવામાં આવી હતી. 1891માં એનું `ક્વીન્સ- ડે'માં રૂપાંતર થયું.
આમ થવાનું કારણ હતું કે રાજા વિલિયમ-ત્રીજાનું અવસાન થતા પ્રિન્સેસ સિંહાસન પર બિરાજમાન થઈ અને ક્વીન બની ગઈ. 2013માં કિગ વિલિયમ એલેક્ઝાન્ડર ગાદી પર આવ્યા પછી છેલ્લા 13 વર્ષથી `કિગ્સ-ડે'ની ઉજવણી થાય છે. `કિગ્સ- ડે'ના દિવસે સમગ્ર દેશમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળે છે અને ઠેર ઠેર ઉજવણી થાય છે. આ દિવસ નેશનલ હોલીડે ગણાય છે. સડક પર માનવ મહેરામણ ઉમટે છે અને નહેરોમાં બોટ ભરી ભરી લોકો ટહેલવા નીકળી પડે છે. એ દિવસે દેશભરમાં નારંગી રંગ - ઓરેન્જ કલર છવાઈ જાય છે.
ટોઈલેટમાં બર્થ- ડે કેલેન્ડર
નેધરલેન્ડ્સમાં બર્થડે નહીં `યર ડે' કહેવાય છે. ડચ ભાષામાં જન્મદિવસ માટે VER-JAARDAG શબ્દ છે. VER એટલે બદલાવું, JAAR એટલે વર્ષ અને DAG એટલે દિવસ. વર્ષ બદલતો દિવસ એવો એનો અર્થ નીકળે છે. ટૂંકમાં જીવનનું એક વર્ષ પસાર થઈ ગયું. વરસગાંઠની વિચિત્ર કહો તો વિચિત્ર અને હેરત પમાડનારી કહો તો એમ, વાત એ છે કે અનેક ડચ પરિવારના ઘરના ટોઇલેટમાં Verjaardagskalender (Birthday Calendar)
બર્થ- ડે કેલેન્ડર મોટેભાગે બારણાં પર લટકાવેલું અથવા ટાઈલ્સ પર લટકાવેલું નજરે પડે. ટોઈલેટમાં ઉજવણીની બાબતનો સમાવેશ કેમ એવો પ્રશ્ન સાહજિક કહેવાય. આ એક વિશિષ્ટ પ્રથા છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. અનેક લોકોના મોં મચકોડાઈ ગયા હશે આ વાંચીને, પણ આ પ્રથા ડચ લોકોની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. પૈસા સાચવીને વાપરવા એ ડચ લોકોના લોહીમાં વણાયેલી બાબત છે. બે પૈસામાં કામ થતું હોય ત્યાં ત્રણ ન વાપરવા એ એમનો સ્વભાવ છે. ટોઈલેટનું બર્થ- ડે કેલેન્ડર એનો નમૂનો છે.
આ કેલેન્ડરમાં મહિનો અને તારીખ જ હોય છે, દિવસ (સોમવાર, મંગળવાર વગેરે)નો ઉલ્લેખ નથી હોતો. મતલબ કે એક કેલેન્ડર વર્ષોના વર્ષ વાપરી શકાય. ફોન કે પછી ડિજિટલ કેલેન્ડર વાપર્યા વિના લોકોની વરસગાંઠ કે લગ્નતિથિ યાદ રાખવાની આ અલાયદી ડચ શૈલી છે. પરિવારના સભ્યની વરસગાંઠ ભુલાઈ ગઈ હોય તો એ `પાપ' ગણાય છે. ડચ લોકો બર્થ-ડે ધામધૂમથી નથી ઉજવાતા, પણ ઘરમાં નાનકડી સર્કલ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.
યજમાન મહેમાનો માટે ગોળાકારમાં બેસવાની વ્યવસ્થા કરે છે. બધા સાથે બેસી કૉફી પીએ છે, કેક ખાય છે અને ભેગા મળી વાતચીત કરે છે, બસ. હા, બર્થ- ડે સોન્ગ હોય પણ અંગ્રેજીમાં નહીં ડચ ભાષામાં Lang zal ze/hiz leven - Long shall she / he live (દીર્ઘાયુની શુભેચ્છા) વિશ કરવામાં આવે. આ ઉજવણીનો મહિમા એવો અનન્ય છે કે કોરોના કાળના સોશ્યલ ડિસ્ટન્સિંગના વખતમાં બર્થ-ડે પાર્ટીના આયોજન પર પ્રતિબંધ હતો ત્યારે ડચ લોકો drive-by verjaardagen (drive-by birthdays)નું આયોજન કરતા. વાહનમાં બેસી જેનો બર્થ- ડે હોય એના ઘરની પાસેથી પસાર થઈ હાથ હલાવી શુભેચ્છા આપી દેવાની. બર્થ-ડે હોય એ વ્યક્તિ પણ નિર્ધારિત સમયે બધાને નજરે પડે એમ વરંડામાં કે પરસાળમાં ઊભી રહેતી.