નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને હોર્મુઝની ખાડીમાં સંકટ વચ્ચે ભારતે મોટો સંદેશ આપ્યો હતો. બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠકમાં એસ જયશંકરે કહ્યું કે, હોર્મુઝ અને રેડ સી જેવા દરિયાઈ માર્ગે સુરક્ષિત રહે તે સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે ખૂબ જરૂરી છે. બ્રિક્સના વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન જયશંકર અને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે મુલાકાત થઈ હતી. જે અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.
ભારતના વિદેશ પ્રધાને તેમની પોસ્ટમાં ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે થયેલી મુલાકાત અંગે લખ્યું, દિલ્હીમાં આજે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી સાથે વિસ્તૃત ચર્ચા થઈ. પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્તા કરી. તેમજ પરસ્પર જોડાયેલા હિત અને દ્વિપક્ષીય મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
બેઠકમાં ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને યુએઈના વિદેશ રાજ્ય પ્રધાન ખલીફા શાહીન અલ મરાર પણ હાજર હતા. જયશંકરે જણાવ્યું કે સ્થિરતા પસંદગીયુક્ત ન હોઈ શકે અને શાંતિ ટુકડાઓમાં ન લાવી શકાય. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ માત્ર પ્રાદેશિક નથી પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મોટો ખતરો બની ચૂક્યો છે. ભારતે ઓમાન નજીક ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે તેવા જ સમયે જયશંકરનું આ નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કોમર્શિયલ શિપિંગ અને સામાન્ય નાવિકોને નિશાન બનાવવા અસ્વીકાર્ય છે. જોકે ભારતે એ પણ જણાવ્યું કે જહાજ પર હાજર તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને ઓમાન પ્રશાસને તેમને બચાવી લીધા છે.
Had a detailed conversation with FM Abbas Araghchi of Iran this morning in Delhi. @araghchi
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 15, 2026
Discussed the situation in West Asia and its implications. Also exchanged views on bilateral issues of mutual interest.
Appreciate his participation in #BRICSIndia2026 pic.twitter.com/cLaM0l15hI
ઈરાન-યુએઈ વચ્ચે વધતો તણાવ
ઈરાન અને યુએઈના સંબંધો તાજેતરના મહિનાઓમાં ખૂબ જ વણસ્યા છે. તેહરાને યુએઈ પર અમેરિકન સૈન્ય મથકોને જગ્યા આપવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ ઈરાને યુદ્ધવિરામ પછી પણ અખાતી દેશો, ખાસ કરીને યુએઈને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે દાવો કર્યો હતો કે તેમણે યુદ્ધ દરમિયાન યુએઈની ગુપ્ત મુલાકાત લીધી હતી, જેનાથી ઈરાન વધુ નારાજ થયું હતું.
આવા વાતાવરણમાં ભારતે અત્યંત સંતુલિત વલણ અપનાવવાનો પ્રયાસ કર્યો છે. જયશંકરે ઉર્જા સંકટ, દરિયાઈ વેપારમાં અવરોધ અને એકતરફી પ્રતિબંધોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેમનો ઈશારો અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો તરફ હતો. તેમણે કહ્યું કે સંવાદ અને રાજદ્વારી ગતિવિધિઓ (કૂટનીતિ) જ કોઈપણ સંઘર્ષનો કાયમી ઉકેલ છે.
ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચીએ અમેરિકા અને ઈઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. તેમણે બ્રિક્સ દેશોને યુદ્ધની રાજનીતિ વિરુદ્ધ ખુલ્લેઆમ અવાજ ઉઠાવે તેવી અપીલ કરી હતી. અરાઘચીએ ઉમેર્યું કે ઈરાન દબાણ સામે ઝૂકશે નહીં, પરંતુ તે કૂટનીતિના માર્ગે ચાલવા માટે તૈયાર છે.