Thu May 14 2026

Logo

ચાંદીમાં રૂ. 527નો ઘસરકો, સોનામાં રૂ. 182નો સુધારો

2026-05-14 20:39:10
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ વચ્ચેની બેઠકની ફળશ્રુતિ પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે ફુગાવામાં વધારાની ચિંતા વચ્ચે ચાંદીના ભાવમાં 1.3 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને સાધારણ સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક બજારના નિરસ અહેવાલો વચ્ચે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 527નો ઘસરકો આવ્યો હતો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 182નો સાધારણ સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં પાંખાં કામકાજો વચ્ચે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ કિલોદીઠ રૂ. 527ના ઘટાડા સાથે 2,87,193ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 182ના સુધારા સાથે અનુક્રમે રૂ. 1,60,514 અને રૂ. 1,61,159ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં રોકાણકારોની રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી શુષ્ક રહી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકાના સાધારણ સુધારા સાથે આૈંસદીઠ 4696.36 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 4703.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 86.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ચીનના પ્રમુખ શિ જિનપિંગે ટ્રમ્પને જણાવ્યું હતું કે ગુરુવારે બે દિવસીય શિખર સંમેલનની શરૂઆતમાં વેપાર મંત્રણામાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ તાઈવાન પર મતભેદ સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે અને વિવાદ તરફ પણ દોરી શકે છે. તાજેતરમાં અમેરિકાના એપ્રિલ મહિનાના ફુગાવામાં જોવા મળેલો વધારો સોનું પચાવી રહ્યું છે અને હાલમાં ભાવ કોન્સોલિડેટ થઈને આૈંસદીઠ 4700 ડૉલર આસપાસ પ્રવર્તી રહ્યા હોવાનું સ્વિસ્કવોટના વિશ્લેષક કાર્લો અલ્બર્ટો ડે કાસાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં પણ ચાર વર્ષની સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. 

અમેરિકી સંસદે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરીકે કેવિન વાર્શને મંજૂરી આપી હતી. જોકે, વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં લેતા તેમના માટે ટ્રમ્પની માગણી અનુસાર વ્યાજદરમાં કાપ મૂકવો બહુ મુશ્કેલ થશે, એવું બજાર વર્તુળોનું માનવું છે. દરમિયાન એચએસબીસીએ ડૉલર ઈન્ડેક્સની નરમાઈને ધ્યાનમાં લેતા વર્ષ 2026ના અંતમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 75 ડૉલર આસપાસની સપાટીએ રહેવાની શક્યતા વ્યક્ત કરવાની સાથે ભાવમાં વધુ સુધારાનો અવકાશ ન હોવાનું જણાવ્યું હતું.