Wed May 13 2026

Logo

NEET પેપર લીકનો ખુલાસો: પ્રિન્ટ થાય એ પહેલા જ પેપર ફૂટ્યું, જાણો નાશિકથી ઉત્તરાખંડ સુધીનો 'લીક રૂટ'

2026-05-12 17:44:00
Author: Mumbai Samachar Team
Article Image

Ai Generated Image


નાશિક બન્યું પેપર લીકનું એપી સેન્ટર, CBI તપાસ શરૂ અને પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય

નવી દિલ્હી/નાશિક/મુંબઈઃ નીટ (National Eligibility cum Entrance Test)ની પરીક્ષામાં પેપર લીક થતા ફરી એકવાર પ્રશ્નપત્રોની સુરક્ષા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. દેશના લાખો વિદ્યાર્થીઓ આખું વર્ષ આ પરીક્ષા માટે મહેનત કરી રહ્યા હોય છે. એવામાં પેપર ફૂટવાની ઘટના બનતા વિદ્યાર્થીઓને ખરા અર્થમાં માથું કૂટવાનો વારો આવે છે. પેપર લીક થવા મુદ્દે સરકાર પ્રશાસન પણ ઊંઘતું ઝડપાયું છે, જ્યારે વિપક્ષે પણ વહીવટીતંત્ર પર માછલા ધોયા છે. જોકે, શિક્ષણજગતમાં ચોંકાવનારી ઘટનામાં તપાસ પણ દૂધના ઊભરા જેવી થાય છે જે સમયાંતરે શમી જાય છે. આ કેસમાં થયેલી પ્રાથમિક તપાસ અનુસાર પેપર ફૂટવાના તાર રાજસ્થાન સાથે જોડાયેલા હોવાના અહેવાલ વચ્ચે હવે એજન્સીઓને મહારાષ્ટ્રનું ક્નેક્શન મળ્યું છે. 

નાશિક બન્યું એપી સેન્ટર

પેપર લીક કેસમાં મહારાષ્ટ્રના મહાનગર નાશિકનું નામ ખુલ્યું છે. આ પેપર લીકની પહેલી કોપી નાશિકમાં તૈયાર થઈ હોવાનું જાણવા મળતા તપાસને અલગ દિશા મળી છે. હાથેથી લખાયેલું પેપર પહેલા હરિયાણાના ગુરૂગ્રામમાં આવ્યું હતું. ગુરૂગ્રામમાં ડૉક્ટર્સ પાસે લીક પેપર આવ્યું હતું. પેપર લીકનો પણ હવે ટ્રાવેલ રૂટ ઉઘાડો પડ્યો છે. આશ્ચર્ય થાય એવી વાત એ છે કે, નાશિકમાં પેપર પ્રિન્ટ થાય એ પહેલા જ તે લીક થઈ ગયું હતું. નાશિકથી લીક થયેલું પેપર હરિયાણા સુધી પહોંચ્યું હતું. હરિયાણામાં લીક પેપરના 10 સેટ બની ગયા હતા. હરિયાણા બાદ લીક પેપર રાજસ્થાનના મહાનગર જયપુર સુધી પહોંચ્યું. સુરક્ષાના દાવા એવા પોકળ સાબિત થયા કે પેપર લીક થયું છે એવું મોડે મોડેથી ખબર પડી. 

નાશિકમાંથી સંદીગ્ધની કરાઈ અટક

જયપુરના જમવારામગઢથી સીકર પહોંચ્યું. જમ્મુ-કાશ્મીર, બિહાર, કેરલમ, આંધ્ર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી આ પેપર પહોંચી ગયું. નાસિકના BMSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા 30 વર્ષના વિદ્યાર્થીની અટક કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ અને અન્ય તપાસ એજન્સી આ વ્યક્તિની આકરી ઢબે પૂછપરછ કરી રહી છે. 

નાશિક ક્રાઈમ બ્રાંચ યુનિટે કાયદેસરના પગલાં લીધા છે. શંકાસ્પદ નાશિક જિલ્લાના નાંદગાવનો કોઈ નિવાસી હોવાનું જાણવા મળે છે. નાશિક પોલીસ આરોપીને રાજસ્થાન પોલીસના હવાલે કરશે. ટેકનિકલ એનાલિસીસ અને ફોટોની મદદથી નાશિક પોલીસે માત્ર એક કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ઓળખ છૂપાવવા વેશ બદલીને અને મુંડન કરીને ફરી રહ્યો હતો. રાજસ્થાન પોલીસની સાથે અન્ય તપાસ એજન્સી પણ તપાસ કરી રહી છે. 

કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપાયો કેસ

પેપર લીકની તપાસ CBIને સોંપવામાં આવી છે. આ કેસમાં એજન્સી ટૂંક સમયમાં કેસ નોંધી, પેપર વર્કક કરીને ટીમની રચના કરશે જે ટૂંક જ સમયમાં સમગ્ર કેસન પારદર્શક તપાસ શરૂ કરશે. તપાસના ભાગરૂપે એજન્સી SOG પાસેથી ડૉક્યુમેન્ટ લઈ લેશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. 

એજન્સીએ 3 મેના આયોજિત નીટ યુજીની પરીક્ષા રદ્દ કરવા અને ફરીવાર પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. નવી પરીક્ષા માટે તારીખ અને એડમીટ કાર્ડ જાહેર કરવા માટે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું હતું કે, તપાસ એજન્સીઓને સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવશે. 

સુરક્ષામાં મોટી ચૂક

દસ્તાવેજ અને જરૂરી ડૉક્યુમેન્ટ આપી દેવામાં આવશે. એજન્સીએ એવું પણ માન્યું કે, ફરીવાર પરીક્ષા કરાવવાથી વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનોને મુશ્કેલીઓ થશે. પણ આ નિર્ણય વિદ્યાર્થીઓના હિત માટે તથા રાષ્ટ્રીય પરીક્ષા શૈલી પર વિશ્વાસ ટકાવી રાખવા માટે જરૂરી છે.આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. યુઝર્સ અને વાલીઓ પોતપોતાના મંતવ્યો આપી રહ્યા છે. ખાસ કરીને સુરક્ષાના મામલે ફરી એકવાર મોટી ચૂક સામે આવતા મામલો ગરમાયો છે.