ભુજ: કચ્છમાં આવકવેરા વિભાગ અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ગાંધીધામ તથા મુંદરાની શિપિંગ અને લોજિસ્ટિક્સ પેઢીઓના આર્થિક વ્યવહારોની તપાસ બાદ રૂપિયા 804.30 કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે. વર્ષ 2021થી 2026 દરમિયાન બનાવટી દસ્તાવેજો અને ખોટાં પ્રમાણપત્રોના આધારે ગેરકાયદેસર રીતે વિદેશમાં નાણાં મોકલી સરકારી તિજોરીને કરોડો રૂપિયાની આર્થિક નુકશાની કરી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે ગાંધીધામ આઈટી ઈન્સ્પેક્ટરની ફરિયાદના આધારે પોલીસે 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) અને વચેટિયાઓ સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવકવેરા વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે કોઈ પણ પ્રકારના હિસાબી ચોપડા, કરાર કે દસ્તાવેજી પુરાવાની યોગ્ય ચકાસણી કર્યા વિના જ બોગસ ફોર્મ 15-સીબી જારી કર્યા હતા. શેલ કંપનીઓના વાસ્તવિક સંચાલકોને બદલે માત્ર વચેટિયાઓ સાથે વ્યવહાર કરીને વિદેશમાં નાણાં મોકલવા માટે આશરે 520 જેટલાં ગેરકાયદે પ્રમાણપત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન મુંબઈ, ગાંધીધામ, બેંગલુરુ અને દિલ્હીની આશરે 8 જેટલી મુખ્ય કંપનીઓના નામે આ નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. જેમાં મેસર્સ મેકો મરીન (રૂપિયા 295.99 કરોડ), મેસર્સ આઈ.એસ.સી. લોજિસ્ટિક (રૂપિયા 208.14 કરોડ), અને મેસર્સ ગ્રીન ઓશન એસોસિએટ્સ (રૂપિયી 112.74 કરોડ) જેવી પેઢીઓ દ્વારા મોટા પાયે બેનામી વ્યવહારો કરવામાં આવ્યા હતા.
પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ગાંધીધામ એ-ડિવિઝન પી.આઈ. મેહુલકુમાર રાઠોડને સોંપી છે. આ કેસમાં આગામી દિવસોમાં વિદેશ નાણાં મોકલનાર મુખ્ય હેન્ડલર્સ, શેલ કંપનીના ડિરેક્ટરો અને અન્ય મોટા ગજાના વેપારીઓની સંડોવણી બહાર આવવાની પૂર્ણ શક્યતા સેવાઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)