Sun May 03 2026

Logo

તિહાર જેલમાંથી બહાર આવ્યા રાજપાલ યાદવ: કરોડોના દેવાના કેસમાં કોર્ટે આપી મોટી રાહત...

2026-02-17 19:45:00
Author: Tejas
Article Image

PTI


મુંબઈ: હિન્દી સિનેમાના લોકપ્રિય કોમેડિયન રાજપાલ યાદવ માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 12 દિવસથી દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહેલા અભિનેતા મંગળવારે જેલમાંથી મુક્ત થયા છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે તેમને વચગાળાના જામીન આપ્યા બાદ 17 ફેબ્રુઆરીએ તેઓ જેલની સલાખોની બહાર આવ્યા છે. કરોડો રૂપિયાના દેવાના કાનૂની વિવાદમાં ફસાયેલા રાજપાલ યાદવ માટે આ જેલમુક્તિ એક મોટો વિસામો સાબિત થઈ છે.

જેલમાંથી બહાર નીકળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા રાજપાલ યાદવ ભાવુક જણાયા હતા. તેમણે બોલીવુડ અને દેશની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, "છેલ્લા 30 વર્ષથી સિનેમામાં કામ કરી રહ્યો છું અને દેશના દરેક બાળકે મને પ્રેમ આપ્યો છે, તેથી જ હું 250 ફિલ્મો કરી શક્યો છું." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ હંમેશા કાયદાનું સન્માન કરતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ કોર્ટના દરેક આદેશનું પાલન કરવા માટે તેઓ તૈયાર છે.

આ સમગ્ર મામલો વર્ષ 2010માં રાજપાલ યાદવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'અતા પતા લાપતા' સાથે જોડાયેલો છે. આ ફિલ્મ બનાવવા માટે તેમણે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે સમયસર ન ચૂકવી શકવાને કારણે વ્યાજ સાથે વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. લેણદારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા બાદ કાનૂની પ્રક્રિયા શરૂ થઈ હતી. આખરે કોર્ટમાં નાણાં ચૂકવવાની અક્ષમતા દર્શાવ્યા બાદ તેમણે તિહાર જેલમાં સરન્ડર કરવું પડ્યું હતું.

રાજપાલ યાદવ જ્યારે મુશ્કેલીમાં હતા ત્યારે બોલીવુડના દિગ્ગજ કલાકારો તેમની વહારે આવ્યા હતા. સલમાન ખાન, અજય દેવગણ, સોનુ સૂદ અને ગુરમીત ચૌધરી જેવા કલાકારોએ તેમને આર્થિક મદદ કરી હોવાના અહેવાલો છે. તેમના વકીલોએ કોર્ટમાં 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવીને જામીન માટેની દલીલો કરી હતી. કોર્ટે ભત્રીજીના લગ્નના આધારે તેમને 18 માર્ચ સુધીની જામીન આપી છે, જોકે શરત મુજબ તેમણે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે.

જેલમાંથી મુક્ત થયા બાદ રાજપાલ યાદવ ફરીથી રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર છે. તેઓ ટૂંક સમયમાં અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ જંગલ' માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત બોક્સર વિજેન્દ્ર સિંહે પણ તેમને એક ફિલ્મની ઓફર આપી છે. કાનૂની ગૂંચવણોની વચ્ચે પણ રાજપાલ યાદવના ચાહકો અને ઈન્ડસ્ટ્રીના મિત્રો તેમના પરત આવવાથી ખૂબ જ ખુશ છે.