Mon May 25 2026

Logo

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીઃ ભવાનીપુરમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર, જાણો લેટેસ્ટ ટ્રેન્ડ

2026-05-04 11:23:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતોની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. રાજ્યની કુલ 294 બેઠકોમાંથી આજે 293 બેઠકો પર જ મતોની ગણતરી થઈ રહી છે, કારણ કે દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફલતા બેઠક પર મતદાનમાં ગેરરીતિની ફરિયાદો બાદ ચૂંટણી પંચે ત્યાંનું મતદાન રદ કરી 21 મેના રોજ ફરીથી મતદાન યોજવાનો નિર્ણય કર્યો છે.

ભવાનીપુર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ

આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત બેઠક ભવાનીપુર છે, જ્યાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને ભાજપના સુવેન્દુ અધિકારી સામસામે છે. શરૂઆતી ટ્રેન્ડ્સમાં આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. પ્રથમ રાઉન્ડના અંતે મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ બીજા રાઉન્ડની ગણતરી બાદ સુવેન્દુ અધિકારીએ લીડ મેળવી છે. જોકે, ત્રીજા રાઉન્ડમાં મમતા બેનર્જી 898 મતો સાથે લીડમાં આવી ગયાં છે. 

શું કહે છે ભવાનીપુરના સમીકરણ?

આ બેઠક પર મમતા 2011માં અને 2016માં જીત્યા હતા. ત્યાર બાદ 2021માં તેઓ નંદીગ્રામથી લડ્યાં હતા અહીં તેમને સુવેન્દુ અધિકારીએ હરાવ્યાં હતા. તે પછી ફરી તેઓ ભવાનીપુર બેઠક પરથી પેટ ચૂંટણીમાં લડ્યાં અને જીત્યા હતાં. આ બેઠક આત્યારે પશ્ચિમ બંગાળમાં ચર્ચાનું કેન્દ્ર રહી છે. 

સુવેન્દુ અધિકારીએ પહેલેથી જ જીતનો દાવો કર્યો

સુવેન્દુ અધિકારીએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે,આ વખતે હિંદુ મતોનું એકત્રીકરણ જોવા મળી રહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં બંગાળના વિકાસનો વાયદો જનતાને પસંદ આવ્યો છે. સવારે 11 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ મુજબ, BJP એ બહુમતીના આંકડાને સ્પર્શતા 175 થી વધુ બેઠકો પર લીડ મેળવી છે, જ્યારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ 115 બેઠકો આસપાસ  રહી છે. જોકે, હજુ ગણતરી ચાલુ હોવાથી અંતિમ પરિણામોમાં ફેરફાર થઈ શકે છે.