Sat May 02 2026

Logo

એક નજર ઈધર ભી...: મોર બની થનગાટ કરે... એક ગજરાજની અનેક `પટરાણી'માંની આ છે એક...

2026-05-02 09:44:00
Author: Kamini Shroff
Article Image

કામિની શ્રોફ

નેપાળમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બે જ છે. એક કાઠમંડુ અને બીજું પોખરા. ટૂર પેકેજમાં આવો ત્યારે નેપાળ પ્રવાસનો પ્રારંભ કાઠમંડુથી જ થાય. કાઠમંડુ `સિટી ઓફ ટેમ્પલ્સ'-મંદિરોના ધામ તરીકે પ્રખ્યાત છે. તીર્થયાત્રાએ નીકળ્યા હો તો અલગ વાત છે, પણ નેપાળ પ્રવાસનો હેતુ ધર્મસ્થાનકોની મુલાકાત ઉપરાંત સહેલ સપાટા મારવાનો-મોજમજા કરવાનો પણ હતો. એટલે પશુપતિનાથ અને અન્ય ખ્યાતિપ્રાપ્ત ધર્મ સ્થાનકોના દર્શન પછી પોખરાનો પ્રાકૃતિક વૈભવ માણવા અમે ઉપડ્યા.

કાઠમંડુથી પોખરા જવા માટે સડક માર્ગ અને હવાઈ માર્ગ બંને ઉપલબ્ધ છે. અમારા ટૂર પેકેજમાં હવાઈ માર્ગનો સમાવેશ હતો. સડક માર્ગે જવાથી પ્રાકૃતિક સૌંદર્ય માણી શકાય એવી દલીલ એક સાથી પ્રવાસીએ કરી, પણ એ અંતર કાપતા છથી સાત કલાક થઈ જાય કારણ કે હાલ એ રૂટ પર મેઈન્ટેનન્સના કામ ચાલુ છે. હવાઈ માર્ગની મુસાફરી માત્ર અડધો કલાકની. કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટના ડોમેસ્ટિક ડિપાર્ચર (જ્યાંથી દેશની અંદર મુસાફરી કરતી ફલાઈટ પકડી શકાય)માં ફલાઈટની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક નેપાળી યુવકે સરસ જાણકારી આપી કે જમણી બાજુએ જો વિન્ડો સીટ મળે તો બહુ સુંદર દૃશ્યો જોવા મળશે. 

જોકે, એવી સીટ મળી નહીં, પણ ગ્રૂપના એક સાથીને રિકવેસ્ટ કરી તો એમણે સીટ એક્સચેન્જ માટે તૈયારી દેખાડી અને બંદા હિમાલય દર્શન માટે ગોઠવાઈ ગયા. વિમાનમાં બાજુની સીટ પર એક ગૃહસ્થ બેઠા હતા અને એમના ચહેરા પરના તેજથી તેઓ વિદ્વાન લાગતા હતા. વિન્ડો સીટ માટેનો મારો તલસાટ જોઈ `હિમાલય જોવાની ઈચ્છા લાગે છે' એમ કહ્યું અને મેં સસ્મિત હા પાડી. `કાલિદાસનું કુમારસંભવમ વાંચ્યું છે?' પ્રશ્ન કર્યો. સહેજ છોભીલા પડી ના કહી એટલે કહ્યું કે `એમાં એક શ્લોક છે अस्त्युतरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः। એનો અર્થ થાય છે ઉત્તર દિશામાં દેવતાઓના આત્મા સ્વરૂપ પર્વતોના રાજાધિરાજ હિમાલય સ્થિત છે.' સંસ્કૃત પંક્તિ તેમણે મારી ડાયરીમાં લખી આપી. વિદ્વાનને કેમ કહેવું કે શાળા અભ્યાસમાં સંસ્કૃત વિષય હતો, પણ એ ભણ્યા નહોતા, સારા માર્ક મેળવવા માટે ગોખીને પાસ થવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. 

પર્વતાધિરાજની આભા નિહાળી અંતરપટ પર અનન્ય અનુભવ થઈ રહ્યો હતો ત્યાં એરહોસ્ટેસ આવી અને સીટ બેલ્ટ બાંધવાનો ઈશારો કર્યો એટલે ખ્યાલ આવી ગયો કે વિમાન ઉતરવાનો સમય થઈ ગયો છે. એરક્રાફ્ટમાંથી બહાર નીકળી એરપોર્ટ પર પગ મૂકતા જ નિસર્ગની નજીક આવ્યા હોવાની લાગણી થઈ

ફેવા લેક:
પોખરા પ્રાકૃતિક સૌંદર્યનું સરનામું ગણાય છે એમાં શહેરમાં સ્થિત નવ સરોવરની આભાનો મોટો ફાળો છે. નેપાળી શબ્દ `પોખરા'નો અર્થ થાય છે `સરોવરોનું શહેર'. ફેવા લેક અહીંનો પ્રખ્યાત લેક તરીકે ગણાવાય છે. એનું કારણ એ છે કે આ સરોવરમાં વિવિધ પ્રકારની નાવડીમાં બોટિગ કરવાની સગવડ હોવા ઉપરાંત એક મંદિરના દર્શન કરવાની તક પણ મળે છે. બોટિગના પણ પેકેજીસ છે. 

એક રાઉન્ડ મારવો છે કે પછી ચકરાવો લેવો છે કે દૂર સુધી જઈ આનંદ લેવો છે એના આધારે પૈસા ચૂકવવાના રહે છે. અમારું તો પેકેજ ડીલ હતું એટલે હલેસા મારતી ખુલ્લી નાવડી તો નહીં, પણ ઉપરથી બંધ એવી બોટમાં અમારી સવારી ઉપડી. સરોવરના જળ એટલા નિર્મળ હતા કે આપણા પ્રતિબિંબ જોઈ શકાતા હતા. લીલીછમ વનરાજીથી ઢંકાયેલા પહાડો નીરખી મન પ્રફુલ્લિત થઈ ગયું. દસ-બાર મિનિટની જળયાત્રા પછી સામે કિનારે ઉતરીને તાલબારાહી મંદિરમાં દર્શનનો લાભ મળ્યો. 

પોખરાના આ નામાંકિત ધર્મસ્થાનમાં બિરાજમાન હિન્દુ દેવી બારાહી દુર્ગાનું સ્વરૂપ છે એવી જાણકારી આપવામાં આવી. જોકે, ફેવા લેકની અસલી મજા તો અન્નપૂર્ણા પર્વતમાળાના દૃશ્યમાં હતી. પોખરાના અન્ય સરોવરમાં ખસ્તે સરોવર જોવાની અદમ્ય ઈચ્છા હતી, કારણ કે ત્યાં સાઈબેરિયાના અને અફઘાની પંખીઓ સ્થળાંતર કરીને થોડા સમય માટે વસવાટ કરતા હોય છે. પણ એ શક્ય નહોતું. પોખરાની બીજી મુલાકાતમાં એ ઈચ્છા પૂરી કરવી એવો નિર્ધાર કરી મન મનાવી લીધું.

ચિતવન નેશનલ પાર્ક સફારી:

જંગલ સફારીની વાત નીકળે એટલે સૌથી પહેલા આફ્રિકાની `મસાઈ મારા' (કેન્યા) અને `સેરેન્ગેટી નેશનલ પાર્ક' (ટાન્ઝાનિયા)નું સ્મરણ થાય છે. જંગલ સફારીનું ક્રીમ ગણાતી આ બંને જગ્યાએ એકવાર તો જવું જ જોઈએ એવી ઈચ્છા અનેક દિલોમાં વસવાટ કરતી હશે. 

અલબત્ત, આ સફારીનો આનંદ લેવા ખિસ્સા પહોળા અને ઊંડા હોવા જોઈએ. એમ તો આપણા જિમ કોર્બેટ (નૈનિતાલ), રણથંભોર (સવાઈ માધોપુર-રાજસ્થાન), બાંધવગઢ નેશનલ પાર્ક (ઉમરિયા-મધ્ય પ્રદેશ) તેમજ તડોબા (ચંદ્રપુર-મહારાષ્ટ્ર) ઓછા ઉતરે એવા નથી. નેપાળના પોખરાસ્થિત ચિતવન નેશનલ પાર્કની ખાસિયત એ છે કે અહીં `જંગલ વોક' કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જંગલ વોક શરૂ કરતા પહેલા કેટલીક યાદગાર બાબત જોઈ જે માનસપટ પર અંકિત થઈ ગઈ. 

એક જગ્યાએ મોર અને ઢેલ સાથે હતા. એવું નાનપણથી સાંભળતા આવીએ છીએ અને શાળા ભણતર દરમિયાન પુસ્તકમાં પણ વાંચ્યું છે કે મોર મુખ્યત્વે વર્ષાઋતુ દરમિયાન, આકાશમાં કાળા ડિબાગ વાદળો છવાયેલા હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે ઢેલને આકર્ષવા માટે પીંછા ફેલાવીને કળા કરે છે. સિવાય સંવનનકાળ વખતે પણ મોર કળા કરીને નૃત્ય કરે છે. અમે ચક્કર લગાવી રહ્યા હતા એ જ સમયે મોરને શું પ્રેરણા થઈ કે કેકારવ કરી ઢેલને જાણે રીઝવતો હોય એમ કળા કરવા લાગ્યો. પ્રેમનું આ દૃશ્ય એટલું મનોહર હતું કે ન પૂછો વાત. 

આદિલ મન્સૂરી સાહેબની રચના `જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે'નું સ્મરણ થયું અને અઢી અક્ષરના ઉપવનનો સાક્ષાત્કાર થયો. જરા આગળ ગયા ત્યાં હાથીઓનું ઝૂંડ નજરે પડ્યું. અલબત્ત, મુક્ત અવસ્થામાં નહીં, બંધક હાલતમાં. 

પ્રાણીઓની સારસંભાળની ટીમમાં કામ કરતા એક કર્મચારીએ એક હેરત પમાડનારી જાણકારી આપી. એના કહેવા અનુસાર અમને દેખાતા નવેનવ હાથી નહીં, હાથણીઓ હતી. દરેક હાથણી સાથે એક મદનિયું હતું અને આ નવેનવ મદનિયાના ડેડી અને નવ હાથણીઓના પતિરાજ એક જ હાથી હતો જે જંગલમાં ટહેલવા ગયો હતો અને સાંજે પરિવાર પાસે પાછો ફરવાનો હતો. એક રાજાની અનેક પટરાણીઓ વાર્તાનું સ્મરણ થયું.