Fri May 01 2026

Logo

જબલપુર બરગી ક્રૂઝ દુર્ઘટના બાદ સરકાર એકશનમાં, ક્રૂઝના પાયલોટ સહિત ત્રણ કર્મચારી સસ્પેન્ડ

2026-05-01 22:25:14
Article Image

ભોપાલ: મધ્ય પ્રદેશના જબલપુરમાં ગુરુવારે સાંજે  એક ક્રૂઝ અચાનક આવેલા ભારે વાવાઝોડાને કારણે ડૂબી ગયું હતું. જેમાં  9 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. તેમજ  24 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર પણ એક્શન આવી છે. તેમજ ક્રૂઝના પાયલોટ સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ રિસોર્ટ અને કલબ બરગીના મેનેજરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી 

આ કાર્યવાહીના ભાગ રૂપે, ક્રુઝ પાઇલટ મહેશ પટેલ, ક્રુઝ હેલ્પર છોટેલાલ ગોંડ અને ટિકિટ કાઉન્ટર ઇન્ચાર્જ  બ્રિજેન્દ્રને  તાત્કાલિક અસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ  હોટેલ મૈકલ રિસોર્ટ અને બોટ ક્લબ બરગીના મેનેજર સુનિલ મારાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકો વિરુદ્ધ  વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અકસ્માત અંગે કોઈપણ સ્તરે બેદરકારી દાખવનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે.

કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા 

આ ઉપરાંત સરકારે કહ્યું છે કે તપાસ દરમિયાન અન્ય જવાબદાર પક્ષોની ભૂમિકા પ્રકાશમાં આવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બરગી અકસ્માત બાદ, વહીવટીતંત્ર હવે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે સલામતી ધોરણો અને કાર્યકારી પ્રક્રિયાઓની વ્યાપક સમીક્ષા કરી રહ્યું છે.