બોલીવૂડનો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે અને એવી અનેક ફિલ્મો, ગીતો છે કે દાયકાઓ બાદ આજે પણ દર્શકોના દિલો દિમાગ પર છવાયેલા છે. આજે આપણે આ સ્ટોરીમાં આવી જ એક ફિલ્મ અને એના ગીત વિશે વાત કરીશું. આ ફિલ્મ એટલે નદિયા કે પાર. 1982માં આવેલી ફિલ્મ 'નદિયા કે પાર'નું ગીત 'કૌન દિશા મેં લેકે ચલા રે બટોહિયા' આજે 44 વર્ષ બાદ પણ તેટલું જ લોકપ્રિય છે. ચાલો આજે આ પાછળની સ્ટોરી તમને જણાવીએ...
રાજશ્રી પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'નદિયા કે પાર' માત્ર તેની સ્ટોરી માટે જ નહીં, પરંતુ તેના મધુર અને દેશી અંદાજ ધરાવતા ગીતો માટે પણ યાદ કરવામાં આવે છે. એમાં પણ 'કૌન દિશા મેં લેકે ચલા રે બટોહિયા' આજે 44 વર્ષ બાદ પણ તેટલું જ લોકપ્રિય છે. આ ગીતને હેમલતા અને જસપાલ સિંઘે પોતાનો અવાજ આપ્યો હતો. ગીતનું સંગીત અને તેના શબ્દો રવિન્દ્ર જૈને તૈયાર કર્યા હતા.
ફિલ્મમાં ફિલ્માવવામાં આવેલા આ ગીતમાં ગામડાની માટીની સુગંધ, માસૂમ પ્રેમ અને પોતીકાપણું મહેસૂસ થાય છે, જે તેને આજે પણ લોકોનું મનપસંદ બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મથી સાધના સિંઘ અને ઇન્દ્ર ઠાકુરે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ ફિલ્મથી લોકોના દિલ જીતી લીધા હતા. સચિન પિલગાંવકર અને સાધના સિંઘની જોડી આ ફિલ્મમાં મુખ્ય આકર્ષણ હતી.
વાત કરીએ ફિલ્મના બજેટ અને તેણે કરેલી કમાણી વિશે તો તમને આશ્ચર્ય થશે કે આ ફિલ્મ માત્ર 18 લાખ રૂપિયાના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 5.4 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો.