Sun May 03 2026

Logo

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ: હવે કઈ ગેંગે લીધી જવાબદારી, જાણો

ottawa   2026-05-03 15:09:00
Author: Vimal Prajapati
Article Image

ઓટ્ટાવા: ભારતના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા ફરી ચર્ચામાં આવ્યો છે. કપિલ શર્માનું કેનેડામાં એક કેફે આવેલું છે, જેના નામ કેપ્સ કેફે છે. આ કેપ્સ કેફે પાસે ફરી ફાયરિંગ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે, આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ બિશ્નોઈ ગેંગ દ્વારા કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. 

ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી

ફેસબુકમાં ‘ટાયસન બિશ્નોઈ જોરા સિદ્ધૂ’ના એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફાયરિંગ ચાય સુટ્ટા બાર પર કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ બાર કપિલના કેફેની એકદમ બગલમાં જ છે. ચેતવણી એવી પણ કરવામાં આવી છે કે, જો શરતોનો સ્વીકાર કરવામાં નહીં આવે તો, કપિલના કેફે સહિત મુંબઈમાં આવેલા તેના ઘર પર આવી જ રીતે ફાયરિંગ કરવામાં આવશે. 

કેફે પર અનેક વખત થયું છે ફાયરિંગ

તમને જણાવી દઈએ કે, કેનેડામાં કપિલ શર્માના કેફે પર પહેલી વખત નિશાન બનાવવામાં નથી આવ્યું! આ પહેલા પણ 2025માં આવો હુમલો કરવામાં આવ્યો હતો. 10 જુલાઈ 2025માં કેપ્સ કેફેના ઉદ્ધાટન પહેલા જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેના પછી સાતમી ઓગસ્ટ 2025માં પણ બીજો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેથી ચાર જ મહિના બાદ 15 અને 16 ઓક્ટોબર 2025માં પણ ત્રીજી વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ તમામ ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ પ્રકાશમાં આવ્યું હતી. મીડિયામાં પણ આ ચર્ચા ચાલી રહી હતી. 

શા માટે કપિલ શર્મા નિશાના પર?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કપિલ શર્મા સલમાન ખાન સાથે જોડાયેલો હોવાથી તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના લોન્ચ વખતે સલમાન ખાનને આમંત્રિત કરવામાં આવ્યો હતો, તેના કારણે બિશ્નોઈ ગેંગ નારાજ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ માટે કપિલ શર્માને વારંવાર ધમકીઓ આપવામાં આવી છે. હવે ફરી એકવાર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે.