નવી દિલ્હીઃ આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ (RR) ને લઈને એક મોટા અને મહત્વના સમાચાર મળ્યાં છે.. વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને અદાર પૂનાવાલા સાથે ભાગીદારીમાં રાજસ્થાન રોયલ્સને ખરીદવા માટે કરાર કર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ડીલ માત્ર આઈપીએલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પાર્લ રોયલ્સ અને કેરેબિયન પ્રીમિયર લીડની બાર્બાડોસ રોયલ્સ ટીમ પણ સામેલ છે.
₹ 15,660 કરોડની મેગા ડીલ
આ ડીલ એક બે કરોડમાં નહીં પરંતુ 15,000 કરોડથી વધુની હોવાનું જાણવા મળ્યું છે. મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સને ખરીદી છે. જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને આદિત્ય મિત્તલના નેતૃત્વમાં મિત્તલ ફેમિલીએ અદાણ પૂનાવાલાની સાથે ભાગીદારીમાં રાજસ્થાન રોયલ્સને ખરીદવા માટે સમજૂતી કરી છે. આ સોદાની કુલ કિંમત અંદાજે 1.65 અબજ યુએસ ડોલર (આશરે ₹ 15,660 કરોડ) હોવાનું કહેવાય છે. આ ડીલની ખાસ વાત એ છે કે તેમાં માત્ર આઈપીએલ ટીમ જ નહીં, પરંતુ રાજસ્થાન રોયલ્સ (IPL), પાર્લ રોયલ્સ (સાઉથ આફ્રિકા T20) અને બાર્બાડોસ રોયલ્સ (કેરેબિયન પ્રીમિયર લીગ)ને પણ સાથે આવરી લેવામાં આવી છે.
કોની પાસે કેટલી હિસ્સેદારી રહેશે?
આ ડીલ પૂર્ણ થયા પછી માલિકીમાં ફેરફાર થયો છે. વિગતે વાત કરવામાં આવે તો આ ડીલ પછી રાજસ્થાન રોયલ્સની માલિકી મિત્તલ ફેમિલી પાસે રહેશે, અને આશરે 75% હિસ્સેદારી પણ રહેશે. ત્યાર બાદ અદાર પૂનાવાલા પાસે આશરે 18% હિસ્સેદારી અને મનોજ બડાલે અને અન્ય રોકાણકારો પાસે બાકીની 7% હિસ્સેદારી રહેશે. મનોજ બડાલે ટીમ સાથે જોડાયેલા રહેશે અને ફ્રેન્ચાઈઝીના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ડીલ ક્યારે પૂર્ણ થશે?
આ સમજૂતી થઈ ગઈ છે, પરંતુ તેને સત્તાવાર રીતે પૂર્ણ કરવા માટે કેટલીક મંજૂરીઓ લેવાની બાકી છે, જેમાં ખાસ કરીને BCCI, CCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી બાદ આ પ્રક્રિયા 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં આ ડીલ પૂર્ણ થશે. આ ડીલ બાદ રાજસ્થાન રોયલ્સના બોર્ડમાં લક્ષ્મી નિવાસ મિત્તલ, આદિત્ય મિત્તલ, વનીશા મિત્તલ ભાટિયા, અદાર પૂનાવાલા અને મનોજ બડાલેનો સમાવેશ થશે. આ ફેરફાર બાદ રાજસ્થાન રોયલ્સ આઈપીએલની સૌથી ધનિક ફ્રેન્ચાઈઝીમાંથી એક બની જશે.
RRના નવા માલિક લક્ષ્મી મિત્તલે કહ્યું કે, ‘મારું રાજસ્થાન સાથે ઊંડું જોડાણ છે અને ક્રિકેટ મારા દિલની નજીક છે. રાજસ્થાન રોયલ્સ જેવી મજબૂત ટીમ સાથે જોડાવું એ મારા માટે ગર્વની વાત છે. આ સાથે આદિત્ય મિત્તલે આઈપીએલને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગ ગણાવીને ટીમના ભવિષ્ય માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. અદાર પૂનાવાલાએ આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને આરઆરને હજી નવી ઊંચાઈએ લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.