Sun May 03 2026

Logo

અભિનેતા સુદેશ કુમારનું 95 વર્ષની વયે નિધન, ‘પૃથ્વી થિયેટર’ સાથે હતું ખાસ જોડાણ

2026-05-03 10:18:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈ: હિન્દી સિનેમાના ગોલ્ડન ઇરા (Golden Era) ના જાણીતા અને દિગ્ગજ અભિનેતા સુદેશ કુમારનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી મિશિકા ધવન જમતાનીએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. 50, 60 અને 70ના દાયકામાં પોતાની સાદગી અને દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતનાર સુદેશ કુમારના નિધનથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

પીઢ અભિનેતાના નિધનના સમાચાર બાદ, હવે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુદેશ કુમારના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. આ પ્રસંગે હિન્દી સિનેમાના અનેક સિતારાઓ અને જૂના સાથી કલાકારો હાજર રહ્યા હતા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

પૃથ્વી થિયેટર અને રાજ કપૂર સાથેનો સંબંધ

સુદેશ કુમારે પોતાના કરિયરની શરૂઆત પ્રસિદ્ધ 'પૃથ્વી થિયેટર' થી કરી હતી. અભિનયની બારીકીઓ શીખ્યા બાદ તેમને શોમેન રાજ કપૂર સાથે કામ કરવાની તક મળી. તેઓ માત્ર એક સારા અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ નિર્દેશક પણ હતા. વર્ષ 1966ની પ્રખ્યાત ફિલ્મ 'દો બદન'માં તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. આ સિવાય તેમણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમની યાદગાર ફિલ્મોમાં છોટી બહન (1959), સારંગા (1961), રોકેટ ગર્લ (1962), ખાનદાન, મન મંદિર અને ધરતી અને વારિસનું નામ આવે છે.

કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે પણ ઉમદા કામ કર્યું હતું

સુદેશ કુમારે ફિલ્મોમાં લીડ રોલની સાથે સાથે કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે પણ ઉમદા કામ કર્યું હતું. તેમની ફિલ્મો અને અભિનય આજે પણ જૂના સિનેમાના ચાહકો માટે એક અમૂલ્ય વારસો છે. સુદેશ કુમાર એવા પસંદગીના કલાકારોમાંના એક હતા, જેમણે પૃથ્વી થિયેટરમાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ કળાની ઝીણવટભરી બાબતો પણ શીખી હતી. પરંતુ હવે તેમણે 95 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.