આજકાલ જમાનો ડિજિટલ છે અને મોટા લોકોથી લઈને નાના બાળકો દિવસમાં કલાકોના કલાકો મોબાઈલ, ટીવી, ટેબ્લેટની સ્ક્રીન સામે પસાર કરે છે. તમે પણ તમારી આસપાસમાં અનેક એવા બાળકો જોયા હશે કે જેઓ સતત મોબાઈલ કે સ્ક્રીનની સામે જ બેસી રહેતાં હોય. હાલમાં જ દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત એઈમ્સના એક્સપર્ટ્સે બાળકોના વધતા સ્ક્રીન ટાઈમ અને ઓટિઝમ જેવી ગંભીર સમસ્યાઓ અંગે માતા-પિતાઓને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. ચાલો જોઈએ શું છે આ ચેતવણી...
એઈમ્સના એક્સપર્ટ્સના પીડિયાટ્રિક ન્યુરોલોજી વિભાગના એક્સપર્ટ્સે બાળકોના મેન્ટલ અને સોશિયલ ડેવલપમેન્ટ માટે સ્ક્રીન ટાઈમને મર્યાદિત કરવા ભાર મૂક્યો છે. એક્સપર્ટ્સે જન્મથી લઈને 18 મહિના સુધીના બાળકોને મોબાઈલ, ટીવી કે અન્ય કોઈપણ સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર રાખવા જોઈએ, કારણ કે આ ઉંમરમાં તેમના મગજનો વિકાસ ખૂબ જ ઝડપી હોય છે.
આ ઉપરાંત એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર વધુ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોની ભાષા શીખવાની ક્ષમતાને અસર કરે છે અને તેમના સામાજિક વર્તનને નબળું પાડે છે. નિષ્ણાતોના મતે, વધુ સ્ક્રીન જોતા બાળકોમાં ઓટિઝમ જેવા લક્ષણો દેખાઈ શકે છે, જોકે તેને સીધું કારણ માનવામાં આવતું નથી.

આંકડાઓ પર નજર કરીએ તો દર 31માંથી એક વ્યક્તિ ઓટિઝમથી પ્રભાવિત જોવા મળી રહી છે, જે પબ્લિક હેલ્થ માટે મોટો પડકાર છે. ઓટિઝમના લક્ષણો 12થી 18 મહિનાની ઉંમરે ઓળખી શકાય છે. વહેલી ઓળખ અને સમયસર દરમિયાનગિરી સારા પરિણામો લાવી શકે છે. ઓટિઝમથી પીડિત આશરે 80 ટકા બાળકોમાં એપિલેપ્સી, ઊંઘની સમસ્યા અને વર્તણૂક સંબંધી અન્ય તકલીફો પણ જોવા મળે છે.
નિષ્ણાતોએ આ વિશે સલાહ આપતા જણાવ્યું હતું કે 18 મહિનાથી 6 વર્ષના બાળકોને સ્ક્રીનથી દૂર રાખવા માટે સ્ક્રીન ટાઈમ અત્યંત મર્યાદિત હોવો જોઈએ. બાળકોને રમતગમત, વાતચીત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વધુ વ્યસ્ત રાખવા જોઈએ. ઓટિઝમના કિસ્સામાં પરિવારની સક્રિય ભૂમિકા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર અત્યંત જરૂરી છે.