Thu Sep 03 2026

Logo

અમેરિકાની નાકાબંધીને મ્હાત દઈ ઈરાનનું ઓઇલ ભરેલું જહાજ સીધું ઇન્ડોનેશિયામાં પહોંચ્યું!

Tehran   2026-05-03 12:37:00
Author: Devayat Khatana
અમેરિકાની નાકાબંધીને મ્હાત દઈ ઈરાનનું ઓઇલ ભરેલું જહાજ સીધું ઇન્ડોનેશિયામાં પહોંચ્યું!

તહેરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને અમેરિકાની આર્થિક નાકેબંધીને જોરદાર પછડાટ આપી છે. ઈરાનનું એક વિશાળ 'સુપર ટેન્કર', જે આશરે 19 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈને એશિયા પેસિફિક ક્ષેત્રમાં પહોંચી ગયું છે, તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. આશરે 220 મિલિયન ડોલરની કિંમતના તેલ સાથેના આ ટેન્કરને તાજેતરમાં ઇન્ડોનેશિયાના લોમબોક જળડમરુમધ્ય પાસે ટ્રેક કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. 

આ પહેલા 20 માર્ચ પછી આ જહાજ ગુમ થઈ ગયું હતું, જેને ટ્રેક કરી શકાતું નહોતું. ઈરાનનો દાવો છે કે તેના 52 જેટલા જહાજો અમેરિકાની કડક નાકેબંધીને તોડવામાં સફળ રહ્યા છે, જે અમેરિકાના તે નિકાસ શૂન્ય હોવાના દાવાઓને ખુલ્લો પડકાર છે.

આ સુપર ટેન્કરે અમેરિકાની ટેકનોલોજી અને જાસૂસી તંત્રને માત આપવા માટે અત્યંત ચાલાકીભર્યું પગલું ભર્યું હતું. અહેવાલો અનુસાર,  'HUGE' તરીકે ઓળખાતા આ જહાજે નાકેબંધીની જાહેરાત બાદ તરત જ તેની 'ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ' (AIS) બંધ કરી દીધી હતી. સિગ્નલ મોકલવાનું બંધ કરી દેવાને કારણે તેને સેટેલાઇટ કે અન્ય માધ્યમોથી ટ્રેક કરવું અશક્ય બની ગયું હતું. આ જહાજ ઈરાનથી નીકળીને મલક્કા સ્ટ્રેટના ગુપ્ત માર્ગે એશિયા પેસિફિક સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. 

બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ વણસ્યા છે અને ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા સેવાઈ રહી છે. ઈરાની સૈન્ય મુખ્ય મથક 'ખાતમ અલ-અંબિયા' ના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાફર અસદીએ ચેતવણી આપી છે કે અમેરિકા કોઈપણ સંધિ પ્રત્યે પ્રતિબદ્ધ નથી અને તેમની તાજેતરની કાર્યવાહીઓ તણાવ વધારી રહી છે. ઈરાની અધિકારીઓના મતે, જો યુદ્ધ ફરી શરૂ થશે તો તેનો આકરો જવાબ આપવા માટે સૈન્ય તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.