Wed May 13 2026

Logo

એક વીડિયો અને બધું જ ખતમ! એવું તો શું થયું કે બોલીવૂડ એક્ટ્રેસે જીવ બચાવવા રાતોરાત ભારત છોડવું પડ્યું? સ્ટોરી થઈ વાઈરલ...

2026-05-13 14:19:54
Author: Darshana Visaria
Article Image

ઈરાની મૂળની અભિનેત્રી અને મોડલ મંદાના કરીમીએ ભારત છોડવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે. લગભગ 16 વર્ષ સુધી ભારતમાં રહ્યા બાદ મંદાનાએ સોશિયલ મીડિયા પર આ ભાવુક જાહેરાત કરી છે. ઈન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનીથિંગ' સેશન દરમિયાન એરપોર્ટ પરથી એક વીડિયો શેર કરીને તેણે ભારતને અલવિદા કહ્યું હતું.

બોલીવૂડ એક્ટ્રેસ મંદાના કરીમીએ આ અગાઉ એક ઈન્ટરવ્યુમાં ભારત છોડવા અંગે ખુલાસો કર્યો હતો કે તે સુરક્ષાના કારણોસર મોટું પગલું ભરી રહી છે. ઈરાનના મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા અને સત્તાવાળાઓની ટીકા કરવાને કારણે તેને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે એવું પણ  સ્વીકાર્યું હતું કે તેને લાંબા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, જેના કારણે ભારતમાં રહેવું હવે તેના માટે સુરક્ષિત રહ્યું નથી.

આગળ મંદાનાએ ભારે હૈયે એવું પણ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તેને કોઈનું સમર્થન મળ્યું નથી. ન તો તેના મિત્રો, ન સરકાર કે ન તો મીડિયા તરફથી તેને જે સાથની આશા હતી તે મળ્યો છે. આ માનસિક એકલતાને કારણે તેને લાગવા માંડ્યું કે ભારત હવે તેના માટે ઘર જેવું નથી રહ્યું અને તેણે ભારત છોડી દેવું જોઈએ. 

તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેણે જે કંઈ પણ કર્યું હતું તે પોતાના દેશ ઈરાન, ત્યાંના લોકો અને તેમના સંઘર્ષ માટે કર્યું છે. મંદાનાએ કહ્યું કે જો તેને ફરી તક મળે તો પણ તે આ જ રસ્તો પસંદ કરશે, ભલે તેને કોઈનો સાથ મળે કે ન મળે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મંદાના કરીમી છેલ્લે ફિલ્મ થારમાં જોવામાં મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર અને હર્ષવર્ધન કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે મંદાના પોતાની નવી લાઈફમાં અને પોતાના દેશ માટે શું નવું કરવાનું વિચારી રહી છે.