નવી દિલ્હીઃ ગત નવેમ્બર મહિનાથી શરૂ થયેલી વર્તમાન તેલ મોસમ 2025-26ના પહેલા છમાસિકગાળામાં ખાસ કરીને પામતેલનાં શિપમેન્ટમાં વધારો થવાથી કુલ વનસ્પતિ તેલની આયાત ગત મોસમના સમાનગાળાના 70.4 લાખ ટન સામે 13 ટકાના ઉછાળા સાથે 79.4 લાખ ટનની સપાટીએ રહી હોવાનું ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત નવેમ્બરથી એપ્રિલ દરમિયાન મૂલ્યની દૃષ્ટિએ વનસ્પતિ તેલની આયાત ગત મોસમના સમાનગાળાના રૂ. 73,000 કરોડ સામે 19 ટકા વધીને રૂ. 87,000 કરોડના સ્તરે રહી હતી. આ સમયગાળામાં થયેલી કુલ આયાતમાં ખાદ્યતેલનો હિસ્સો 78.2 લાખ ટનનો રહ્યો હતો, જ્યારે અખાદ્યતેલનો હિસ્સો 1.21 લાખ ટનની સપાટીએ રહ્યો હતો.
સમીક્ષા હેઠળના સમય દરમિયાન અર્થાત્ ગત નવેમ્બરથી એપ્રિલ દરમિયાન પામતેલની આયાત ગત સાલના સમાન સમયગાળાની તુલનાની 27.4 લાખ ટનની આયાત સામે લગભગ બમણા જેટલી થઈને 39.7 લાખ ટનના સ્તરે રહી હતી, જ્યારે અન્ય સોફ્ટ તેલની અથવા તો સોયાબીન અને સનફ્લાવર તેલની આયાત ગત સાલના સમાનગાળાના 41.3 લાખ ટન સામે ઘટીને 38.5 લાખ ટનની સપાટીએ રહી હતી.
નોંધનીય બાબત એ છે કે ભારતમાં પામતેલના મુખ્ય પુરવઠાકાર દેશો ઈન્ડોનેશિયા અને વિયેટનામ છે, જ્યારે આર્જેન્ટિના સોયાબીન તેલનો મુખ્ય પુરવઠાકાર દેશ છે, ત્યાર બાદ બીજા ક્રમાંકે બ્રાઝિલ છે અને રશિયા તથા યુક્રેનથી મુખ્યત્વે સનફ્લાવર તેલની આયાત થાય છે. એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત વર્ષ 2025નાં એપ્રિલ મહિનાની સરખામણીમાં પામતેલના ભાવમાં 14થી 15 ટકાનો વધારો થયો છે, જ્યારે સોયાબીન અને સનફ્લાવર તેલના ભાવમાં અનુક્રમે 17 અને બાવીસ ટકાનો વધારો થયો હોવાથી રસોઈમાં વપરાતા આ મુખ્ય તેલ મોંઘાં થયાં છે.
વધુમાં ગત વર્ષની સરખામણીમાં ડૉલર સામે રૂપિયામાં લગભગ 9.2 ટકા કરતાં વધુ માત્રામાં ધોવાણ થવાને કારણે પણ આયાત પડતરો વધી આવી છે, જે વપરાશકાર સહિત આયાતકારો અને રિફાઈનરો માટે પણ ચિંતાનો વિષય હોવાનું એસોસિયેશને યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે આ સમયગાળામાં નેપાળે પણ ભારત ખાતે 2,17,000 ટન રિફાઈન્ડ તેલની નિકાસ કરી છે. જેમાં મુખ્યત્વે સોયાબીન તેલનો સમાવેશ થાય છે. આ સિવાય થોડી માત્રામાં રિફાઈન્ડ સનફ્લાવર તેલ, આરબીડી પામોલિન અને રાયડાતેલનો સમાવેશ થાય છે.
વધુમાં એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત પહેલી મે, 2026ના રોજ દેશમાં વનસ્પતિ તેલનો કુલ સ્ટોક ગત સાલના સમાનગાળાના 13.5 લાખ ટન સામે 21.2 લાખ ટનનો રહ્યો હતો.