Wed May 13 2026

Logo

સોના-ચાંદી પરની આયાત જકાતમાં વધારો થતાં સોનામાં રૂ. 9345નો અને ચાંદીમાં રૂ. 22,853નો ઉછાળો

2026-05-13 20:11:08
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનાં યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતાં અમેરિકામાં ગત એપ્રિલ મહિનાના ફુગાવામાં ત્રણ વર્ષનો સૌથી વધુ વધારો થયો હોવાના અહેવાલ સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓસરી જતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ભાવ એક ટકો વધી આવ્યા હતા.

આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક સ્તરે આજે સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરતાં આયાતમાં ઘટાડો થવાથી પુરવઠાખેંચની ભીતિ સપાટી પર આવતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 9307થી 9345નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 22,853નો ઉછાળો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડ્યૂટી વધારાને પગલે આયાતમાં ઘટાડો થવાથી પુરવઠાખેંચની ભીતિ સપાટી પર આવવાની સાથે વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધીને આૈંસદીઠ 87 ડૉલર સુધી પહોંચ્યાના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 22,853ના તોતિંગ ઉછાળા સાથે રૂ. 2,87,720ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 9307 વધીને રૂ. 1,60,332 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 9345 વધીને રૂ. 1,60,977ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ ઊંચા મથાળેથી જોવા મળેલી રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને વર્ષ 2026માં રેટ કટની શક્યતા પાતળી થતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીથી પાછા ફરીને ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4703.49 ડૉલર આસપાસ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.5 ટકાના સુધારા સાથે 4711.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 87.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ગઈકાલે અમેરિકાનાં એપ્રિલ મહિનાના ફુગાવાના ડેટામાં જોવા મળેલા વધારાને બાદ કરતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતથી દૂર રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે સામાન્યપણે ફુગાવામાં વધારો થવાથી સોનામાં વધતા ફુગાવા સામેની હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ તેની સામે કેન્દ્રવર્તી બૅન્ક વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પણ મંદ પડતાં સોનું દબાણ હેઠળ આવ્યું છે, પરંતુ જો આર્થિક વૃદ્ધિદર દબાણ હેઠળ આવે તો સોનાના સુધારાને ટેકો મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર તેમ જ ડૉનલ્ડ ટ્રમ્પ તથા શિ જિનપિંગ વચ્ચેની બેઠક પર મંડાયેલી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.