Wed May 13 2026

Logo

સંયોગ કે બીજું કાંઈ, જે જગ્યાએ અજિત પવારનું પ્લેન ક્રેશ થયું હતું, ત્યાં જ ફરી સર્જાયો અકસ્માત, જુઓ વીડિયો

2026-05-13 21:50:02
Author: Mumbai Samachar Team
Article Image

બારામતીઃ સમય પણ એ જ અને ગામ પણ એ જ અને ફરીથી એવી જ મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ જેનું મહારાષ્ટ્રના લોકોને જોરદાર આશ્ચર્ય થયું હતું. ટૂંકમાં, એક નાનો પણ મોટો અકસ્માત કહી શકાય, પણ ફરી બારામતીમાં એક વિમાન ક્રેશ થયું. બારામતી તાલુકાના ગોજુબાવી ગામની હદમાં આજે સવારે એક વિમાન ક્રેશ થયું હતું, જ્યારે એના વીડિયો પણ વાયરલ થયા હતા.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં વિદ્યાર્થી પાઇલટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. રેડ બર્ડ કંપનીનું પાયલોટ તાલીમ વિમાન બુધવારે સવારે લગભગ 8:40 વાગ્યે તેની નિયમિત તાલીમ આપી રહ્યું હતું. ગોજુબાવી ગામથી લગભગ દોઢ કિલોમીટર ઉત્તરમાં હવામાં જ વિમાનનો અવાજ બંધ થઈ ગયો. વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હોવાનું સમજીને, પાઇલટે સાવચેતી રાખીને નજીકના શેરડીના ખેતરમાં વિમાનને ઉતારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ક્રેશ થઈ ગયું હતું.

વિમાન શેરડીના ખેતરમાં ક્રેશ થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, તાલીમ લઈ રહેલ તાલીમાર્થી પાઇલટ આ ભયાનક ઘટનાને કારણે ગભરાઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ આસપાસના નાગરિકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી લોકોએ અલગ અલગ તર્ક વિતર્ક કર્યા હતા.

ગોજુબાવી ગામનું વિચિત્ર કનેક્શન

નોંધનીય છે કે, ગોજુબાવી ગામના જે વિસ્તારમાં આ અકસ્માત થયો હતો, અગાઉ ત્યાં જ અજિત પવારનું વિમાન પણ  ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં વિમાન દુર્ઘટનાની આ ત્રીજી ઘટના છે, તેથી, સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. ઘટનાની માહિતી મળતાં જ બારામતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 

પ્રાથમિક તપાસ મુજબ વિમાનનું એન્જિન હવામાં જ બંધ થઈ જવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જોકે, નાગરિક ઉડ્ડયન નિયામકમંડળ ટેકનિકલ ખામીના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ કરે તેવી શક્યતા છે.