Tue Oct 20 2026

Logo

ગોકુળ દૂધ સંઘ ચૂંટણી: મહાયુતિના દિગ્ગજો હાર્યા, સતેજ પાટીલ જૂથનો મોટો વિજય...

2026-10-19 21:37:18
Author: Mumbai Samachar Team
ગોકુળ દૂધ સંઘ ચૂંટણી: મહાયુતિના દિગ્ગજો હાર્યા, સતેજ પાટીલ જૂથનો મોટો વિજય...

મુંબઈ/કોલ્હાપુર: ગોકુળ દૂધ સંઘ પર છેલ્લા ઘણા વર્ષોથી મહાડિક પરિવારનો દબદબો હતો, પરંતુ આ વખતની ચૂંટણીમાં સતેજ બંટી પાટીલના જૂથે સત્તા મેળવીને મહાયુતિને મોટો આંચકો આપ્યો. આ ચૂંટણીમાં રાજકીય ગઢ ગણાતા પરિવારોના દિગ્ગજો પણ ઊભા હતા, પરંતુ મતદારોએ મહાયુતિના બે મોટા ચહેરાઓને હરાવી દીધા. પ્રધાન હસન મુશ્રીફના પુત્રની હાર બાદ હવે શૌમિકા મહાડિક પણ માત્ર ૭ મતોથી હારી ગયા. જોકે, હાર બાદ શૌમિકા મહાડિકે મતોની ફરીથી ગણતરી કરાવવાની માંગ કરી હતી. 

મહાયુતિના નેતૃત્વ હેઠળના છત્રપતિ શાહુ શેતકરી વિકાસ આઘાડી તરફથી શૌમિકા અશલ મહાડિક ચૂંટણી લડ્યા હતા અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો, તેમની સામે કોંગ્રેસ સમર્થિત સતેજ પાટીલની રાજર્ષી શાહુ શેતકરી સમવિચારી આઘાડીના રાજુ જયવંતરાવ આવળે ઉમેદવાર હતા. ૧૦૦ ટકા મતદાન બાદ સોમવારે આવેલા પરિણામમાં શૌમિકા મહાડિક માત્ર ૭ મતોથી હારી ગયા હતા. 

શૌમિકા મહાડિક ભાજપના પૂર્વ ધારાસભ્ય અમલ મહાડિકના પત્ની છે. પૂર્વ ધારાસભ્ય મહાદેવરાવ મહાડિક તેમના સસરા છે અને ભાજપના રાજ્યસભા સાંસદ ધનંજય મહાડિક તેમના દેર છે. શૌમિકા મહાડિક કોલ્હાપુર જિલ્લા પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, જિલ્લા પરિષદના સભ્ય અને ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે.

દરમિયાન, ૨૦૨૨ માં ગોકુલ દૂધ સંઘની છેલ્લી ચૂંટણીમાં, તેમણે મહાડિક જૂથમાંથી ૪૩ મતોથી જીત મેળવી હતી. શૌમિકા મહાડિક પહેલીવાર ગોકુલના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. જોકે, આ વર્ષે સતેજ પાટિલ અને મહાયુતિ વચ્ચે રંગીન મુકાબલો જોવા મળ્યો હતો. તેમાં શૌમિકા મહાડિકને હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ જુઓ...