Thu Nov 19 2026

Logo

મહારાષ્ટ્રમાં SIR પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ: કોંગ્રેસે CEO ચોકલિંગમને સોંપ્યા પુરાવા, કડક કાર્યવાહીની માગ

2026-10-19 20:28:33
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં SIR પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ: કોંગ્રેસે CEO ચોકલિંગમને સોંપ્યા પુરાવા, કડક કાર્યવાહીની માગ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંદર્ભે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) એસ ચોકલિંગમને મળી એસઆઈઆર પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી આરોપ મૂક્યો હતો કે આ એસઆઈઆર બોજારૂપ છે અને પાત્ર મતદારોને બાકાત રાખી નાગરિકોને અસુવિધા પહોંચાડે છે.

બેઠક બાદ સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં મુંબઈ કોંગ્રેસનાં પ્રમુખ વર્ષા ગાયકવાડે મતદાર યાદીના એસઆઈઆરમાં ગેરરીતિનો આરોપ કરી શાસક પક્ષને ફાયદો પહોંચાડવા માટે ચોક્કસ મતદારોના નામ ઈરાદાપૂર્વક કાઢી નાખનારાઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી.

વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે કોંગ્રેસે કથિત ગેરરીતિના પુરાવા રજૂ કર્યા છે અને ચોકલિંગમે પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે શાસક પક્ષને ફાયદો પહોંચાડવા માટે ઈરાદાપૂર્વક  મતદારોના નામ કાઢી નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગાયકવાડના કહેવા અનુસાર એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ 6, 7 અને 8 અંગે ઘણી ફરિયાદો મળી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બૂથ-લેવલ ઓફિસરો (બીએલઓ) યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી.

લોકસભા સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે એસઆઈઆર  પ્રક્રિયાએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને અધિકારીઓને વિનંતી કરી છે કે કોઈ પણ પાત્ર મતદાતા મતદાનના અધિકારથી વંચિત ન રહે. ગાયકવાડના જણાવ્યા મુજબ સીઈઓએ પ્રતિનિધિમંડળને ખાતરી પણ આપી હતી કે ચૂંટણી પંચ આ મુદ્દે એક સૂચના બહાર પાડશે.

કોંગ્રેસના પ્રતિનિધિમંડળે એસઆઈઆરની સમય મર્યાદા લંબાવવાની માગણી કરી જણાવ્યું હતું કે મતદારોને વાંધાઓનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવો જોઈએ. મહારાષ્ટ્રમાં 2029 સુધી ચૂંટણી થવાની નથી તો આટલી ઉતાવળ કેમ કરવામાં આવે છે?