Fri May 15 2026

Logo

APIની કિંમત વધતાં ગુજરાતમાં પેઈનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ થશે મોંઘી

2026-05-15 10:49:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ:  ગુજરાત સહિત દેશમાં મોંઘવારીનો બોંબ ફૂટ્યો છે. દૂધ, સીએનજી બાદ હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ દરમિયાન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએન્ટ (API) ના ભાવમાં થયેલા તીવ્ર વધારાને પગલે ફાર્મા કંપનીઓએ વધારાના ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનાથી ઘણી નોન શિડ્યૂલ દવાઓના છૂટક ભાવમાં વધારો થવાની ધારણા છે.

APIના ભાવમાં 30-50 ટકાનો ઉછાળો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં વિવિધ API અને બલ્ક ડ્રગ્સના ભાવમાં 30 થી 50ટકાનો વધારો થયો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ઘણી કંપનીઓએ એપ્રિલ અને મે દરમિયાન બિન-અનુસૂચિત દવાઓના ભાવમાં 10 ટકા સુધીનો વધારો કરી દીધો છે. નવા ભાવવાળા બેચ જ્યારે બજારમાં આવશે ત્યારે ફાર્મસી સ્ટોર્સમાં તેની અસર જોવા મળશે.

સરકારી નિયમો શું કહે છે?

ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ જીવનરક્ષક દવાઓના ભાવમાં સરકાર દ્વારા આ વર્ષે માત્ર 0.6 ટકા વધારાની મંજૂરી અપાઈ છે. નોન શિડ્યૂલ કેટેગરીમાં કંપનીઓને વર્ષમાં એકવાર મહત્તમ 10% સુધી ભાવ વધારવાની છૂટ હોય છે.

આ ભાવ વધારાની અસર પેઈનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, વિટામિન્સ અને મિનરલ્સ, ચામડીના રોગોની દવાઓ, શ્વાસ સંબંધિત દવાઓ અને સાયકોટ્રોપિક ડ્રગ્સ પર પડવાની શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બે વર્ષ સુધી સ્થિર રહ્યા બાદ, પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે બલ્ક ડ્રગ્સના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેનાથી ફાર્મા કંપનીઓના માર્જિનને નુકસાન થઈ રહ્યું છે. કાચા માલની સાથે પેકેજિંગ મટીરીયલ પણ મોંઘું થયું હોવાથી કંપનીઓ મહત્તમ મર્યાદા સુધી ભાવ વધારો કરી રહી છે.

ગ્રાહકો પર અસર ક્યારે?

સૂત્રોએ જણાવ્યું કે, જૂનો સ્ટોક હજુ બજારમાં હોવાથી ગ્રાહકોને તાત્કાલિક અસર નહીં થાય, પરંતુ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનાથી જ્યારે નવો સ્ટોક આવશે ત્યારે છૂટક ભાવમાં વધારો જોવા મળશે. ઈન્ડસ્ટ્રીએ સરકારને આ વર્ષે વધારાના ભાવ વધારા માટે અપીલ કરી છે, જ્યારે સરકાર જો ભવિષ્યમાં કાચા માલના ભાવ ઘટે તો તેનો લાભ દર્દીઓને પણ મળે તેવી વ્યવસ્થા પર વિચાર કરી રહી છે.