Fri May 15 2026

Logo

ન્યૂ મેક્સિકોમાં મેડિકલ પ્લેન ક્રેશ: ઉડાન ભર્યા બાદ તરત જ વિમાન ક્રેશ થતા 4 લોકોના મોત

New Mexico   2026-05-15 08:40:00
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ મેક્સિકો: અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સવારે એક નાનું મેડિકલ વિમાન (Air Ambulance) ટેક-ઓફ કર્યાના થોડી જ વારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રુઈડોસો (Ruidoso) વિસ્તારની બહાર સર્જાયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ પુષ્ટિ કરી છે કે આ વિમાને રોસવેલ એર સેન્ટરથી ઉડાન ભરી હતી અને તે સિએરા બ્લાન્કા રિજનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. લિંકન કાઉન્ટીના મેનેજર જેસન બર્ન્સે જણાવ્યું કે હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

5 એકરમાં ફેલાઈ ભીષણ આગ

વિમાન ક્રેશ થયા બાદ આસપાસના વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શુષ્ક હવામાન અને અંદાજે 56 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. અમેરિકી ફોરેસ્ટ સર્વિસ અને સ્થાનિક એજન્સીઓએ ભારે જહેમત બાદ અંદાજે 5 એકર વિસ્તારમાં ફેલાયેલી આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તે સમયે આ વિસ્તારમાં 'રેડ ફ્લેગ' હાઈ ફાયર રિસ્ક વોર્નિંગ જાહેર કરવામાં આવી હતી.

તપાસની વાત કરવામાં આવે તો, આ કેસમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને FAA દ્વારા આ મામલે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 18 મહિનામાં અમેરિકામાં મેડિકલ પ્લેન ક્રેશ થવાની આ ત્રીજી મોટી ઘટના છે, જેણે એવિએશન સેફ્ટી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.