Thu May 14 2026

Logo

ડૉલર સામે રૂપિયો છ પૈસા ઘટીને નવી નીચી સપાટીએ

2026-05-14 20:36:52
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફતી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ, ક્રૂડ તેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારો થવાની ચિંતા અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીના દબાણને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસાના ઘટાડા સાથે 95.72ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો એક તબક્કે 30 પૈસાના કડાકા સાથે નીચામાં 95.96ની સપાટી સુધી પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર પશ્ચિમ એશિયામાં વિવાદ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ વિક્ષેપિત રહેતાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો છે. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.66ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.74ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.96 અને ઉપરમાં 95.61ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે છ પૈસાના ઘટાડા સાથે 95.72ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ઐતિહાસિક 95.80ની નીચી સપાટી સુધી ગબડ્યા બાદ અંતે 95.66ની સપાટીએ બંધ રહ્યો હતો. 

ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે વિદેશી ફંડોનો ઈક્વિટીમાં બાહ્ય પ્રવાહ અને ફુગાવામાં વધારાની ચિંતા વચ્ચે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ ન મૂકે તેવી શક્યતા પ્રબળ બની હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયો 95.50થી 96.10 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને તાજેતરમાં સોના અને ચાંદીની આયાત જકાતમાં કરવામાં આવેલો વધારો રૂપિયામાં ઘટાડો મર્યાદિત રાખી શકે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ 0.01 ટકાના ઘટાડા સાથે 98.51 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.50 ટકા વધીને બેરલદીઠ 106.16 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4703.15 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 789.74 પૉઈન્ટનો અને 277 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.