Sat Sep 05 2026

Logo

જિનપિંગે યુએસને પતનશીલ દેશ ગણાવ્યો, ટ્રમ્પ પણ સહમત થયા, જાણો શું છે કારણ ?

Beijing   2026-05-15 11:25:00
Author: Savan Zalariya
જિનપિંગે યુએસને પતનશીલ દેશ ગણાવ્યો, ટ્રમ્પ પણ સહમત થયા, જાણો શું છે કારણ ?

બેઇજિંગ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન યાત્રા હાલ ચર્ચામાં છે. આજે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન મુલાકાતના છેલ્લા દિવસે એક નિવેદનમાં જણાવ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુએસને ‘પતનશીલ રાષ્ટ્ર’ ગણાવ્યું હતું, જો કે તેના તુરંત બાદ ટ્રમ્પે જણાવ્યું કે કદાચ શી તેમના પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેનના શાસનકાળનો ઉલ્લેખ કરી રહ્યા છે.

બેઇજિંગ મુલાકાતના છેલ્લા દિવસે ટ્રમ્પે જણાવ્યું કે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે "મને આટલી બધી જબરદસ્ત સફળતાઓ બદલ અભિનંદન આપ્યા હતા. જ્યારે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સને એક પતનશીલ રાષ્ટ્ર ગણાવી રહ્યા હતાં ત્યારે, કદાચ ત્યારે તેઓ જો બાઈડેનનો ઉલ્લેખ કરી રહ્યા હતા.”

નોંધનીય છે કે શી જિનપિંગે યુએસને ‘પતનશીલ રાષ્ટ્ર’ ગણાવતું નિવેદન જાહેરમાં આપ્યું ન હતું. અહેવાલ મુજબ ટ્રમ્પ બંધ દરવાજા પાછળ શીએ કહેલી કોઈ વાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે બેઇજિંગમાં શીએ "થુસીડાઇડ્સ ટ્રેપ" નો ઉલ્લેખ કર્યો હતો તેની વાત કરી રહ્યા હતાં.

ટ્રમ્પની મુલાકાતના પહેલા દિવસે શીએ તેમની ઉચ્ચ-સ્તરીય બેઠકની શરૂઆત એવી દલીલ કરીને કરી હતી કે યુએસ-ચીન સંબંધોને સ્થિર કરવા એ ફક્ત બંને અર્થતંત્રો માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. શીએ "પતનશીલ રાષ્ટ્ર" શબ્દનો ઉપયોગ કર્યો ન હતો. શીએ સવાલ કર્યો હતો કે શું બંને મહાસત્તાઓ "થુસીડાઇડ્સ ટ્રેપ" માં પડવાનું ટાળી શકે છે? ઉભરતી શક્તિ વચ્ચે આધિપત્યનાં યુદ્ધ માટે “થુસીડાઇડ્સ ટ્રેપ"નો ઉલ્લેખ કરવામાં આવે છે.

ટ્રમ્પે તેમના પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક લાંબી પોસ્ટમાં કહ્યું કે શી  100 ટકા સાચું મૂલ્યાંકન કર્યું, યુનાઇટેડ સ્ટેટ્સ પતન તરફ જઈ રહ્યું છે કારણ કે બિડેન વહીવટીતંત્રની ઇમિગ્રેશન,  જેન્ડર ઇક્વાલીટી, આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો અને અન્ય મુદ્દાઓ પરની નીતિઓને કારણે દેશને અપાર નુકસાન થયું છે.

ટ્રમ્પે લખ્યું, "જ્યારે રાષ્ટ્રપતિ શી યુનાઇટેડ સ્ટેટ્સને કદાચ એક પતનશીલ રાષ્ટ્ર તરીકે ઉલ્લેખ કર્યો, ત્યારે તેઓ ઊંઘતા રહેતા જો બાઈડેન અને બાઈડેન વહીવટીતંત્રના ચાર વર્ષ દરમિયાન આપણને થયેલા જબરદસ્ત નુકસાનનો ઉલ્લેખ કરી રહ્યા હતા, અને તે માટે તેઓ 100 ટકા સાચા હતા."