ગાંધીનગરઃ ઉનાળાની રજાઓ મનોરંજનની સાથે સાથે બાળકોના શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ એક ઉત્તમ અવસર બની શકે છે. આજના સમયમાં બાળકોમાં વધતો મોબાઇલનો ઉપયોગ, શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો, માનસિક તણાવ અને અનિયમિત જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સમર યોગ કેમ્પ – 2026’નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - 2026ની ઉજવણી અને યોગના વ્યાપક પ્રચાર-પ્રસારના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં 7 થી 15 વર્ષના બાળકો માટે વિશેષ સમર યોગ કેમ્પ્સ યોજાશે. આ કેમ્પ્સનો મુખ્ય હેતુ બાળપણથી જ બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી, સારા સંસ્કારો, શિસ્ત, આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સકારાત્મક વિચારસરણીનો વિકાસ કરવાનો છે. યોગ દ્વારા બાળકોનું શરીર મજબૂત બને, મન શાંત રહે અને અભ્યાસ પ્રત્યે ધ્યાન વધે તે માટે આ અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આગામી તારીખ 16 મે 2026 થી તારીખ 30 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યના વિવિધ શહેરો, તાલુકાઓ અને ગામોમાં અંદાજિત 225 જેટલા ‘સમર યોગ કેમ્પ’નું આયોજન કરવામાં આવશે. રાજ્યના અનેક વિસ્તારોમાં સમર યોગ કેમ્પનું આયોજન કરીને બાળકો યોગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ સમર યોગ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સૂક્ષ્મ વ્યાયામ, રમતિયાળ યોગ પ્રવૃત્તિઓ, શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા, આરોગ્ય જાગૃતિ તેમજ ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા, સકારાત્મકતા અને નિયમિત જીવનશૈલી વિકસે તે માટે પણ વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
આ કેમ્પમાં બાળકોને મોબાઇલ અને ટીવી જેવી સ્ક્રીન પ્રવૃત્તિઓથી થોડો સમય દૂર રાખી યોગ, આરોગ્ય અને પ્રકૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતી આરોગ્ય સમસ્યાઓ સામે યોગ એક અસરકારક અને પ્રાકૃતિક ઉપાય બની શકે છે. નિયમિત યોગાભ્યાસથી બાળકોમાં લવચીકતા, સ્મરણશક્તિ, આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા વધે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજના આગેવાનોને આ સમર યોગ કેમ્પ - 2026માં વધુમાં વધુ બાળકોને જોડાવવા હાર્દિક અનુરોધ કરવામાં આવે છે, જેથી બાળકો સ્વસ્થ શરીર, સકારાત્મક મન અને સારા સંસ્કારો સાથે દેશ અને સમાજના જવાબદાર નાગરિક બની શકે. વધુ માહિતી અને નોંધણી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsyb.in ની મુલાકાત લેવાની રહેશે.