Thu Sep 03 2026

Logo

પેટ્રોલ-ડીઝલમાં ₹3 અને CNGમાં ₹2નો ઝીંકાયો ભાવવધારો; વિપક્ષે કહ્યું- 'આ તો મોદીની વસૂલાત...'

2026-05-15 11:11:00
Author: Vimal Prajapati
પેટ્રોલ-ડીઝલમાં ₹3 અને CNGમાં ₹2નો ઝીંકાયો ભાવવધારો; વિપક્ષે કહ્યું- 'આ તો મોદીની વસૂલાત...'

નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. આજે થયેલા ભાવ વધારા મામલે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો છે. ચૂંટણી પૂર્ણ થઈ અને પરિણામ આવી ગયું એટલે જનતાને લૂંટવાનું શરૂ કરી દીધું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. 

કોંગ્રેસે  આરોપ લગાવ્યો છે કે, ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની 'વસૂલાત' શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે.  પેટ્રોલ-ડીઝલમાં 3-3 રૂપિયા અને સામે સીએનજીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની જનતાને સરકાર દ્વારા લૂંટવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. 

માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટીએ પણ આ ભાવ વધારા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક પર પોસ્ટ કરતા અખિલેશ યાદવે લખ્યું કે, ‘આગળ વધવું હોય તો માત્ર સાઈકલ જ એક વિકલ્પ છે’. આમ કહીને તેમણે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. એકબાજુ વિશ્વ પર યુદ્ધના કારણે તેલ સંકટ તોળાઈ રહ્યું છે તેવામાં હવે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આના કારણે સામાન્ય લોકો પર મોટી અસર થવાની છે. 

પીએમ મોદી દ્વારા થોડા દિવસ પહેલા જ ઈંધણની બચત કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી અનેક રાજ્યોની સરકારોએ તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો. એટલાક નેતાઓ તો રિલબાજી કરતા પણ જોવા મળ્યાં છે. પરંતુ આ વચ્ચે પેટ્રોલ-ડીઝલમાં આટલો ધરખમ વધારો કરવામાં આવ્યો તેના કારણે કોંગ્રેસ સહિત અને વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહી છે. 

આ ભાવ વધારે અંગે સરકારી તેલ કંપનીઓમાં ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમનું કહેવું છે કે, ક્રૂડ ઓઈલ મોંઘુ થયું તેના કારણે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુકસાનના કારણે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે.