Fri May 15 2026

Logo

Video: સુરતમાં સાપની પૂંછડી પકડીને હીરો બનવા ગયેલા યુવકની  શું થઈ હાલત?

2026-05-15 12:39:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે દરમાંથી સરીસૃપો બહાર નીકળતા હોય છે. ક્યારેક માનવ વસાહતમાં તેઓ આવી ચડતા હોય છે. સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારના  ભરવાડ વાસમાં એક રૂમમાં સાપ ઘૂસી આવ્યો હતો. એક યુવક તેની પૂંછડી પકડીને બહાર કાઢવાની કોશિશ કરતો હતો. આ યુવકે સાપ પકડવાની કોઈ તાલિમ નહોતી લીધા. 

કોઈપણ જાતના સુરક્ષા સાધનો વગર સાપને રૂમમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો અને તેને પકડીને ચાલવા લાગ્યો હતો. થોડીવારમાં સાપ તેના પગમાં ડંખ મારે છે અને યુવક ગભરાઈને ભાગવા લાગે છે, ત્યારે સાપ બીજી વખત તેના પર હુમલો કરે છે. વીડિયો બનાવતાં લોકો તેને આ રીતે સાપ ન પકડવાનું કહે છે.

સચિન જીઆઈડીસી વિસ્તારના ભરવાડ વાસમાં અચાનક એક સાપ નીકળી આવ્યો હતો. સાપને જોતા જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીએ  બહાદુરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ પણ વ્યાવસાયિક તાલીમ કે અનુભવ વગર જશેષે સાપને પકડવાનો અને તેની સાથે રમવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. યુવક સાપને કાબૂમાં લેવા માટે તેની સાથે 'મસ્તી' કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક સાપે પલટવાર કર્યો હતો. સાપે યુવકના પગ પર ઝડપથી હુમલો કરીને તેને ડંખ માર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે યુવક કોઈ પણ ડર વગર સાપ પાસે જઈ રહ્યો છે અને પછી અચાનક સાપને પોતાના હાથથી પકડીને તેને ફેરવવા લાગે છે, આ દરમિયાન સાપ પલટવાર કરે છે ત્યારે યુવક સાપને છોડીને ભાગવા લાગે છે. સર્પદંશ બાદ યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ સાપ ઝેરી નહોતો. આ જાણકારી મળ્યા બાદ યુવક અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો સાપ 'કોબ્રા' કે 'રસેલ વાઈપર' જેવી પ્રજાતિનો હોત, તો યુવકનો જીવ બચાવવો મુશ્કેલ બની શક્યો હોત.