Wed Jun 10 2026

Logo

NEET પેપર લીકમાં મોટો ખુલાસો: રાજસ્થાનના 2 ભાઇઓએ 30 લાખમાં ખરીદ્યું હતું પેપર, આ રીતે થયું લીક

2026-05-13 11:06:00
Author: mumbai samachar team
Article Image

જયપુરઃ રાજસ્થાનના સીકર સાથે જોડાયેલા NEET 2026 પેપર લીક કેસમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે કે આ આખું નેટવર્ક હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરાખંડ સુધી ફેલાયેલું હતું અને પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્રો લાખો રૂપિયામાં વેચાઈ રહ્યા હતા. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ બાદ હવે તપાસ એજન્સીઓ પેપર લીકની આખી સિન્ડિકેટને ઉકેલવામાં લાગી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે ગુરુગ્રામના એક ડોક્ટર પાસેથી જમવારામગઢના રહેવાસી બે ભાઈઓ માંગીલાલ બિવાલ અને દિનેશ બિવાલે 26 અને 27 એપ્રિલના રોજ કથિત રીતે 30 લાખ રૂપિયામાં NEETનું પેપર ખરીદ્યું હતું. ત્યારબાદ દિનેશ બિવાલે આ પેપર તેના પુત્રને આપ્યું હતું, જે સીકરમાં રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે ત્યારપછી 29 એપ્રિલે આ જ પેપર અન્ય અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

બિવાલના 4 વિદ્યાર્થીઓની  ગત વર્ષે નીટમાં થઇ હતી પસંદગી

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દિનેશ બિવાલના પરિવારના ચાર બાળકોની ગયા વર્ષે NEETમાં પસંદગી થઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમને લગભગ એક મહિના પહેલા જ જાણકારી મળી ગઈ હતી કે પરીક્ષાનું પેપર લીક થઈને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ભરોસા પર જ તેમણે પહેલેથી તૈયારી કરી રાખી હતી.

આ કેસમાં બીજો એક મોટો ખુલાસો દેહરાદૂનથી ધરપકડ કરાયેલા આરોપી રાકેશ કુમાર મંડવારિયાને લઈને થયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, રાકેશે લગભગ 700 વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચાડવાનું કામ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેપર પહેલા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવ્યું હતું અને બાદમાં તેની પ્રિન્ટ કાઢીને વેચવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓ હવે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓની ઓળખ કરવામાં લાગી છે જેમણે કથિત રીતે પૈસા આપીને પેપર મેળવ્યું હતું.

સીકર, જે દેશભરમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોચિંગના મોટા કેન્દ્ર તરીકે ઓળખાય છે, તે હવે તપાસ એજન્સીઓના રડાર પર છે. તપાસમાં બહાર આવ્યું છે કે અહીં કેટલાક વિદ્યાર્થીઓ અને કોચિંગ સંચાલકોએ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવી રાખ્યા હતા, જેના દ્વારા પ્રશ્નપત્ર અને જવાબો શેર કરવામાં આવ્યા હતા. એજન્સીઓ હવે આ ગ્રુપના એડમિન અને સભ્યોની ડિજિટલ વિગતોની તપાસ કરી રહી છે.