ચેન્નઇઃ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે. વિશ્વાસ પ્રસ્તાવ માટે ગૃહમાં થયેલા મતદાન દરમિયાન કુલ 144 ધારાસભ્યોએ TVK (ટીવીકે) નું સમર્થન કર્યું જ્યારે 22 ધારાસભ્યોએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું.
આ પ્રક્રિયા દરમિયાન 22 ધારાસભ્યોએ સરકારનો વિરોધ કર્યો હતો, જ્યારે 5 સભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. નવી સરકારની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે આ ફ્લોર ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 171 સભ્યોની ભાગીદારી વાળી આ પ્રક્રિયામાં વિજયે સરળતાથી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. આ સાથે જ રાજ્યમાં તેમની સરકારની રચનાનો રસ્તો ખુલી ગયો છે.
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ (વિશ્વાસ મત) પહેલાં મુખ્યમંત્રી વિજયે તમિલનાડુ કોંગ્રેસના નેતાઓ અને અન્ય સાથી પક્ષોના નેતાઓ સાથે બેઠક કરી હતી. તમામ સહયોગી પક્ષોએ TVK સરકારને સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી હતી.
તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) જેસીડી પ્રભાકર વિશ્વાસ મત પહેલા ગૃહમાં હાજર ધારાસભ્યોની ગણતરી કરી. ડીએમકે (DMK) ના વોકઆઉટ કર્યા પછી, હવે ગૃહમાં ટીવીકે (TVK), ડાબેરી પક્ષો, વીસીકે (VCK), આઈયુએમએલ (IUML), ભાજપ, ડીએમડીકે (DMDK), પીએમકે (PMK) અને અન્ય પક્ષોના બાકીના ધારાસભ્યો હાજર રહ્યાં હતા.
તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણીઓ બાદ ડીએમકેના ધારાસભ્યો ગૃહની બહાર નીકળી ગયા (વોકઆઉટ કર્યું) હતા. જેના કારણે મુખ્યમંત્રી વિજયને સંખ્યાબળની દ્રષ્ટિએ મોટો ફાયદો મળ્યો. ડીએમકે પાસે 59 ધારાસભ્યો છે.
વિધાનસભાની હાલની કુલ સભ્ય સંખ્યા 232 છે અને બહુમતી માટે 117નો આંકડો જરૂરી હતો, પરંતુ ડીએમકેના વોકઆઉટને કારણે બહુમતીનો આંકડો ઘટીને 88 થઈ ગયો. આ ફેરફારને કારણે ટીવીકે (TVK) માટે જીત મેળવવી એકદમ સરળ બની ગઈ હતી.
તમિલનાડુમાં વિશ્વાસ મતના મામલે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પર નિશાન સાધતા વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને આરોપ લગાવ્યો કે, સત્તાધારી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ખુલ્લેઆમ ધારાસભ્યોની ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ) માં સામેલ છે અને રાજ્યના રાજકારણને 'મજાકનો વિષય' બનાવી રહી છે.
ડીએમકે (DMK) ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને બુધવારે વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યને 'સાચી સરકારની જરૂર છે, નહીં કે દેખાડો કરતી સરકારની.'