Wed May 13 2026

Logo

બિયર શૉપના માલિક પર ગોળીબાર કરનારાને પોલીસે પીછો કરી પકડી પાડ્યો

2026-05-12 19:22:57
Author: Yogesh C. Patel
Article Image

બીડ: બિયર શૉપના માલિક પર ગોળીબાર કરી ફરાર થયેલા ગૅન્ગ લીડરને પોલીસે પીછો કરી પકડી પાડ્યો હતો. બીડ શહેર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી આરોપી આશિષ શ્યામરાવ આઠવલેની ધરપકડ કરી હતી. સ્થાનિક ટોળકીના પ્રમુખ આઠવલેને પોલીસ મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસમાં શોધી રહી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આઠવલે વિરુદ્ધ 2024માં એક કેસ નોંધાયો હતો અને ત્યારથી પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. સોમવારની રાતે તે એક બિયર શૉપમાં ગયો હતો. દુકાનમાલિકે બિયર આપવાનો ઇનકાર કરતાં આરોપીએ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાં દુકાનમાલિક જખમી થયો હતો. હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

દરમિયાન આરોપી બાઈક પર કબાડગલી પરિસરમાંથી પસાર થઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમે પીછો કરી આરોપીની બાઈકને આંતરી હતી. પકડાયેલા આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને એક કારતૂસ હસ્તગત કરાઈ હતી.

છેલ્લાં બે વર્ષથી ધરપકડથી બચવા આઠવલે અલગ અલગ ઠેકાણે સંતાતો હતો. જોકે તેના સાથી તે સમયે ઝડપાઈ ગયા હતા. ગોળીબારની ઘટના બાદ આઠવલે વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો હતો. (પીટીઆઈ)