રાજુલાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટી મોટી વાતો વિના કરકસર કરીને માત્ર બે કારના કાફલા સાથે રાજુલા પહોંચ્યા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસમાં 10 કરતા વધુ વાહનોનો કાફલો જોડાયેલો રહેતો હોય છે, તેના બદલે ભુપેન્દ્ર પટેલ માત્ર 2 કાર સાથે રાજુલા પહોંચ્યા હતા. બિનજરૂરી ઈંધણનો બચાવ કરવા અને વીજળીક ગતિએ વહીવટી ખર્ચ ઘટાડવા માટે મુખ્યમંત્રીએ જાતે આ પહેલ કરીને વહીવટી તંત્ર અને નાગરિકો સમક્ષ શાસન અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રાજુલામાં શું હતો કાર્યક્રમ
રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના ટ્રોમાં સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 22 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નિર્મિત 108 બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સારવાર સંપૂર્ણપણે નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે, જે આ વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદેશ પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલ પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકા પ્રવાસ રદ કર્યો હતો. તેમણે દરેકને પ્રધાનમંત્રીની અપીલને સમર્થન આપવા વિનંતી કરી હતી. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ ધ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી સંમેલનમાં હાજરી આપવાના હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના નાગરિકોએ દેશની આર્થિક આત્મનિર્ભરતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી તમામ અપીલોને સમર્થન આપવું જોઈએ.
ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરેલી અપીલનો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદર્શ અમલ શરૂ કર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાજ્યપાલ કોઈ પણ સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે. તેઓ રાજ્યમાં અવરજવર કરવા માટે ટ્રેન અને એસટી બસનો ઉપયોગ કરશે. પોતાની ઝેડ પ્લસ સુરક્ષાના મોટા કાફલાને બદલે આવશ્યક પ્રવાસ વખતે ઓછામાં ઓછી કાર રાખવા તેમણે સૂચના આપી હતી.