(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ઈરાન વચ્ચે ભૂરાજકીય તણાવમાં વધારો થતાં વૈશ્વિક બજારમાં જોખમી પરિબળોની સપાટી ઉપર આવતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 40 પૈસા તૂટીને 95.68ના નવાં તળિયે બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોનાં જણાવ્યાનુસાર અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનનાં શાંતિ પ્રસ્તાવને બિલકુલ સ્વીકાર્ય ન હોવાનું જણાવી ફગાવી દેતાં અમેરિકા-ઈરાન વચ્ચેની 10 સપ્તાહની મડાગાંઠને કારણે વૈશ્વિક પુરવઠા પર માઠી અસર થવાની ભીતિને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.
વધુમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રૂડતેલના ભાવ લાંબા સમયગાળાથી ઊંચી સપાટીએ રહે તો દેશની વેપાર ખાધ અને ચુકવણી તુલાને અંકુશમાં રાખવા માટે ઓછી આયાત કરવાનું આહ્વાન કર્યું હોવાથી ગબડતાં રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.28ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.57ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.74 અને ઉપરમાં 95.42ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 40 પૈસાના ઘટાડા સાથે 95.68ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 28 પૈસા તૂટીને 95.28ની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.33 ટકા વધીને 98.28 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 3.09 ટકા ઉછળીને બેરલદીઠ 107.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને ફગાવી દેતાં વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાતાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ જોવા મળી રહ્યું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે. જોકે, રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ રૂપિયાને અમુક અંશે ટેકો આપતાં રૂપિયો 95.30થી 96 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી.
વધુમાં આજે આઈએફએ ગ્લોબલે તેની રિસર્ચ નોટ્સમાં જણાવ્યું હતું કે ગત રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અને ફોરેક્સના બાહ્ય પ્રવાહમાં ઘટાડો કરવાની જનતાને સલાહ આપ્યા પછી ઊર્જાની સ્થિતિ કેટલી ગંભીર છે કે તેની વધતી અનુભૂતિએ ઈક્વિટી અને ફોરેક્સ બજારોને હચમચાવી દીધા છે. વડા પ્રધાને અર્થતંત્રને મજબૂત કરવા માટે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ, સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવાની પણ હાકલ કરી હતી.