Wed May 13 2026

Logo

વરસાદ સાથે પવન ફૂંકાતાં મંદિર પરિસરની દીવાલ તૂટી પડી: છનાં મોત, 20 ઘાયલ

2026-05-12 20:58:00
Author: Yogesh C. Patel
Article Image

સાંગલી: સાંગલી જિલ્લાના જત તાલુકામાં વરસાદ સાથે ફૂંકાયેલા સુસવાટા મારતા પવનને કારણે મંદિર પરિસરની દીવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં છ શ્રદ્દાળુએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 20થી વધુ જખમી થયા હતા.
મળતી માહિતી અનુસાર ઘટના જત તાલુકાના મોટેવાડી ગામમાં મંગળવારની સાંજે બની હતી. અચાનક વરસેલા વરસાદ સાથે તોફાની પવન વાતો હતો. વરસાદથી બચવા મોટા ભાગના ભાવિકો મંદિર પરિસરની દીવાલને અડીને ઊભી કરાયેલી શેડ પાસે ઊભા હતા. એ જ વખતે એકાએક દીવાલ ધસી પડી હતી.

પથ્થરથી ચણવામાં આવેલી દીવાલ પર શેડનું પતરું પડ્યું હતું. દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયેલા છ શ્રદ્ધાળુનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં શંકર આબા લોખંડે, મંગલ ભાઉસો મોઠે, સંજુબાઈ રામ ચૌધરી, કોંડિબા ગેજગેનો સમાવેશ થાય છે. મૃતકોમાંથી ત્રણ વિજાપુર તાલુકાના, જ્યારે અન્ય ત્રણ જત તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

કહેવાય છે કે મોટેવાડી ખાતે મંગળવારે મરગુબાઈ દેવીની જાત્રા હતી. જાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા. અચાનક સુસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે ભાવિકોએ શેડ નીટે આશરો લીધો હતો. 

આ ઘટનામાં 20થી વધુ લોકો જખમી થયા હતા. સારવાર માટે તેમને જત તાલુકાની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જખમીઓમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.