Wed May 13 2026

Logo

ભિવંડીમાં મહિલાનો પૂર્ણપણે બળેલો મૃતદેહ મળી આવ્યો

2026-05-12 18:54:30
Author: Yogesh D Patel
Article Image

થાણે: પાલઘર જિલ્લાના વસઇમાં મેદાનમાંથી રવિવારે માનવ હાડપિંજર અને ખોપરી મળ્યા બાદ હવે ભિવંડીમાં મંગળવારે સવારના અજાણી મહિલાનો પૂર્ણપણે બળી ગયેલો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.ભિવંડીના પદ્માનગર વિસ્તારમાં મંગળવારે સવારના 10.30 વાગ્યાની આસપાસ અમુક લોકોની નજર બળેલા મૃતદેહ પર પડી હતી, જેને પગલે તેમણે પોલીસને જાણ કરી હતી.

આથી ભિવંડી ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.મૃતદેહ પૂર્ણપણે બળી ગયો હોવાથી મૃતક મહિલાની ઓળખ થઇ શકી નથી, પણ મૃત મહિલા આશરે 30 વર્ષની વયની હોવાનું લાગે છે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.પોલીસને શંકા છે કે મહિલાની કોઇ અન્ય જગ્યાએ હત્યા કરવામાં આવી હશે અને બાદમાં પુરાવા નષ્ટ કરવા તથા મહિલાની ઓળખ છુપાવવા માટે તેનો મૃતદેહ ઘટનાસ્થળે લાવી સળગાવી દેવામાં આવ્યો હશે.

પોલીસે આ પ્રકરણે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) અને 238 (પુરાવા નષ્ટ કરવા) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે મહિલાની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરી હતી. ઉપરાંત ઘટનાસ્થળ તથા અન્ય સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)