Wed May 13 2026

Logo

શ્રમિક મહિલાઓ સાથે વડોદરાના મહારાણીની છલકાઇ સાદગી

2026-05-13 14:50:19
Author: Mumbai Samachar Team
Article Image

વડોદરાઃ "જો નામની આગળ 'મહારાણી' લખેલું હોય, તો દરેક વ્યક્તિ એવું જ અનુમાન લગાવે છે કે શરીર પર ભારે દાગીના લદાયેલા હશે, શાહી પોશાક હશે અને આગળ-પાછળ ડઝનબંધ સેવિકાઓ હશે. આ એક સામાન્ય માન્યતા છે, પરંતુ દેશમાં એક એવા મહારાણી પણ છે જે આ તમામ દેખાડાથી દૂર છે. તેમની પાસે ન તો કોઈ શાહી સવારી છે કે ન તો શાહી અંદાજ. નામની સાથે મહારાણીનું પદ પણ છે, વિરાસત પણ છે, તેઓ દુનિયાના સૌથી મોટા ઘરના માલિક પણ છે અને 20,000 કરોડની સંપત્તિ પણ છે, તેમ છતાં તેમને જોઈને તમે અંદાજો નહીં લગાવી શકો કે તેઓ મહારાણી છે.

વડોદરાના ગાયકવાડ રાજપરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ, જેમને દેશના સૌથી સુંદર મહારાણીનો ખિતાબ મળ્યો છે, તેમની એક તસવીર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મહારાણીએ હવાઈ ચપ્પલ પહેરેલા છે. ગુલાબી રંગનું સાધારણ સલવાર-કૂર્તા અને ખભા પર એક થેલો છે.

વડોદરાના મહારાણી તેમની સિમ્પ્લિસિટી એટલે કે સાદગીને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેમની સાદગી લોકોનો ઇમ્પ્રેસ કરે છે. શ્રમિક મહિલાઓ સાથેના તેમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ પણ થાય છે. મહારાણી રાધિકારાજેએ શ્રમિક મહિલાઓ સાથેની તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસવીરોમાં તેમની ગુજરાતી સ્ટાઇલથી લોકો ઇમ્પ્રેસ થયા છે. મહારાણીનું કહેવું છે કે ભારતના જુદાજુદા પ્રદેશમાં રહેતી મહિલાઓ કામની સાથે સંસ્કૃતિને પણ જાળવી રાખે છે. 

મહારાણીનું માનવું છે કે વર્કિંગ ક્લાસની મહિલાઓ રીતિ-રિવાજોને સંભાળીને રાખે છે. બીજી તરફ જેમની પાસે બધું જ છે એવા લોકો તેને નથી નિભાવી શકતા. રાધિકારાજે સામાજિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. મહિલાઓ સાથે કામ કરવા દરમિયાનની તેમની આ તસવીર ખૂબ જ ચર્ચામાં છે, જેમાં લોકો તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે. તેમણે મહિલા કારીગરો સાથે ફોટો શેર કર્યો અને લખ્યું કે, આ મહિલાઓને કામ કરવા માટે બિઝનેસ સૂટની જરૂર નથી.

દુનિયાના સૌથી મોટા ઘર 'લક્ષ્મી વિલાસ પેલેસ'ના માલિક રાધિકારાજે અવારનવાર પોતાની સાડીઓને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેઓ 100 વર્ષ જૂની સાડીમાં જોવા મળે છે, તો ક્યારેક સાધારણ સૂટમાં. તેમના પતિ મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ ભારતના સૌથી ધનિક ક્રિકેટર રહી ચૂક્યા છે. સમરજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડનો જન્મ 25 એપ્રિલ 1967ના રોજ રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ અને શુભાંગિનીરાજેના શાહી પરિવારમાં થયો હતો. તેઓ પૂર્વ પ્રથમ શ્રેણીના ક્રિકેટર અને વહીવટકર્તા હતા. તેમણે દૂન સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું, જ્યાં તેઓ સ્થાનિક ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ ટીમોમાં જોડાયા હતા અને તેનું નેતૃત્વ પણ કર્યું હતું