Wed May 13 2026

Logo

મોદી સરકારના ક્યા નિર્ણયથી સોનું 15 હજાર ને ચાંદી 40 હજાર મોંઘી થઈ ગઈ ?

2026-05-13 09:34:43
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ  જો તમે આગામી દિવસોમાં સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારા ખિસ્સા પર પહેલા કરતા વધુ ભાર પડી શકે છે. કેન્દ્ર સરકારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓની આયાત પર લાગતી ડ્યુટી (ઇમ્પોર્ટ ડ્યૂટી) માં મોટો વધારો કર્યો છે. નાણામંત્રાલયે મંગળવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, નવા દરો 13 મે 2026 થી અમલમાં આવી ગયા છે.

સરકારના આ નિર્ણય બાદ દેશમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં, વિદેશથી સોનું મંગાવવું હવે મોંઘું થશે, જેની સીધી અસર બજાર અને ગ્રાહકો બંને પર પડશે.

ગોલ્ડ પર કુલ ડ્યૂટી હવે 5%

સરકારે સોના પર લાગતી કુલ ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) 6% થી વધારીને 15% કરી દીધી છે. બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) 5% થી વધારીને 10% કરવામાં આવી છે, જ્યારે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) ને 1% થી વધારીને 5% કરી દેવામાં આવ્યો છે. સોનાની ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી 10 ગ્રામ સોનાના ભાવમાં અંદાજે 15,000 રૂપિયાનો વધારો થઇ શકે છે. જ્યારે ચાંદી અંદાજે 25,000 રુપિયા જેટલી મોંઘી થઇ શકે છે. 

આ ઉપરાંત, UAE થી નક્કી કરેલા ક્વોટા હેઠળ આવતા સોના પર પણ હવે વધુ ડ્યુટી ચૂકવવી પડશે. અગાઉ આ ક્વોટા હેઠળ રાહત દરે મળતા ફાયદાઓ ઉપલબ્ધ હતા.

સામાન્ય લોકો પર શું પડશે અસર?

આ નિર્ણયની સૌથી મોટી અસર જ્વેલરી ખરીદનારાઓ પર જોવા મળી શકે છે. આયાત મોંઘી થવાથી સોનીબજારના વેપારીઓની પડતર કિંમત વધશે અને તેનો બોજ ગ્રાહકો પર આવશે. એટલે કે લગ્ન-પ્રસંગ કે રોકાણ માટે સોનું ખરીદવું હવે પહેલા કરતા વધુ ખર્ચાળ બની શકે છે.

માત્ર જ્વેલરી સેક્ટર જ નહીં, પરંતુ એવા ઉદ્યોગો પણ પ્રભાવિત થશે જે કિંમતી ધાતુઓનો ઉપયોગ ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), ઇલેક્ટ્રોનિક્સ અથવા રિસાઇકલિંગમાં કરે છે. તેમની પડતર કિંમત વધવાથી અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે.

સતત વધી રહ્યો છે ગોલ્ડ ઇમ્પોર્ટ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાની આયાતમાં સતત વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 માં સોનાની આયાત 24% થી વધુ વધીને રેકોર્ડ 71.98 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ પહેલા 2024-25 માં આ આંકડો 58 અબજ ડોલર હતો.

જોકે, જથ્થાની દ્રષ્ટિએ સોનાની આયાતમાં થોડો ઘટાડો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં 757.09 ટનની સરખામણીએ આ વખતે સોનાની આયાત 721.03 ટન રહી હતી. ભારત, ચીન પછી વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો સોનાનો ઉપભોક્તા (ગ્રાહક) દેશ ગણાય છે.

ભારત સૌથી વધુ સોનું સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરે છે, જેનો હિસ્સો લગભગ 40% છે. ત્યારપછી UAE અને દક્ષિણ આફ્રિકાનો નંબર આવે છે. દેશની કુલ આયાતમાં એકલા સોનાનો હિસ્સો 9% થી વધુ થઈ ગયો છે.

અગાઉ ઘટાડવામાં આવી હતી ડ્યૂટી

રસપ્રદ વાત એ છે કે, જુલાઈ 2024ના બજેટમાં સરકારે બજારને રાહત આપવા માટે સોના પરની કુલ ઇમ્પોર્ટ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી. પરંતુ હવે વધતી જતી આયાત અને વિદેશી હૂંડિયામણ પરના દબાણને જોતા સરકારે ફરીથી ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે.

વડાપ્રધાને પણ બચતની અપીલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને ખર્ચમાં સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને સોનાની ખરીદી, વિદેશ પ્રવાસ અને ઈંધણનો વપરાશ ઘટાડવાની વાત કરી, જેથી દેશના વિદેશી હૂંડિયામણના ભંડાર પરનું દબાણ ઓછું થાય અને અર્થતંત્ર મજબૂત બની રહે.