Wed May 13 2026

Logo

મૂડીઝે વર્ષ 2026 માટે ભારતની વૃદ્ધિનો અંદાજ ઘટાડીને છ ટકા કર્યો

2026-05-12 20:22:56
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ખાનગી વપરાશ, મૂડીગત નિર્માણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ઘટાડો તેમ જ ઈંધણના ભાવ વધી આવ્યા હોવાથી મૂડીઝ રેટિંગ્સે વર્ષ 2026 માટે ભારતનો આર્થિક વૃદ્ધિનો અંદાજ 0.8 ટકા ઘટાડીને છ ટકા મૂક્યો છે. 

તાજેતરમાં મૂડીઝ રેટિંગ્સે જાહેર કરેલા મે મહિનાના ગોલોબલ મેક્રો આઉટલૂક અહેવાલમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં થયેલા વધારાની માઠી અસરથી ઊર્જાના ઊંચી સપાટીએ રહેશે અને સાથે સાથે દેશભરમાં ઈંધણ અને ફર્ટિલાઈઝરની અછતની સ્થિતિ સર્જાશે. 

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો સમયગાળો અપેક્ષા કરતાં વધુ લંબાઈ જવાને કારણે મૂડીઝે તેનાં ગ્લોબલ આઉટલૂકમાં ભારે અનિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી છે અને ભારતની આર્થિક વૃદ્ધિમાં 0.8 ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે જ પ્રમાણે મૂડીઝે આગામી કેલેન્ડર વર્ષ 2027 માટેના આઉટલૂકમાં પણ ખાસ કરીને ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ 0.5 પર્સન્ટેજ પૉઈન્ટ ઘટાડીને છ ટકાનો મૂક્યો છે. મૂડીઝે જણાવ્યું હતું કે ભારત ઊર્જાની 90 ટકા જેટલી આયાત કરી રહ્યું હોવાથી ક્રૂડતેલ અને એનર્જીના ઊંચા ભાવની અર્થતંત્ર પર નોંધપાત્ર અસર થતી હોય છે. 

ભારત અનાજનો ચોખ્ખો ઉત્પાદક દેશ છે અને આગામી ટૂંકા સમયગાળા દરમિયાન તેની નિકાસ પર સકારાત્મક અસર જોવા મળશે, પરંતુ ઈંધણ અને ફર્ટિલાઈઝરનાં ઊંચા ભાવની અસર સરકારી ફાઈનાન્સ પર જોવા મળશે. એકંદરે ખાનગી વપરાશ મૂડી નિર્માણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ઘટાડા ઉપરાંત ઊર્જાનાં ઊંચા ભાવને કારણે નાણાકીય સ્થિતિ તંગ રહેતાં કેલેન્ડર વર્ષ 2026 અને 2027માં દેશનો આર્થિક વૃદ્ધિદર છ ટકા આસપાસ રહેવાનો અંદાજ અમે મૂક્યો છે, એમ મૂડીઝે અહેવાલમાં ઉમેર્યું હતું. 

હાલનાં ઊર્જાના ઊંચા ભાવને કારણે ફુગાવો ઊંચી સપાટીએ રહેશે, નફા દબાણ હેઠળ આવશે, રોકાણો નબળાં પડશે અને જાહેર મૂડીગત્‌‍ ફાઈનાન્સ પણ નબળી સ્થિતિમાં રહેશે, જ્યારે કેન્દ્રવર્તી બૅન્ક વ્યાજદર યથાવત્‌‍ રાખે, પરંતુ જરૂર પડ્યે નાણાસ્થિતિ તંગ કરવા માટે પણ સજ્જ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. વધુમાં અમેરિકી રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો, સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં નાકાંબંધી અને લશ્કરી હુમલાઓની ધમકીઓ યુદ્ધવિરામના ટકાઉપણાને જોખમમાં મૂકે છે.