Mon Jul 27 2026

Logo

મીરાંબાઈ ચાનુની ગોલ્ડ મેડલની સિદ્ધિ પછી પિત્ઝાની મોજ

Glasgow   2026-07-27 20:02:38
Author: Ajay Motiwala
Article Image

ત્રણ દિવસથી કંઈ ખાધું-પીધું નહોતું એટલે ફેવરિટ વાનગી મળતાં જ તૂટી પડી!

અમિત શાહ

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ)ઃ રવિવારે અહીં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર તેમ જ ઑલિમ્પિક્સ પછીના આ બીજા નંબરના રમતોત્સવમાં સુવર્ણચંદ્રકની હૅટ-ટ્રિક કરનાર મણિપુરની 31 વર્ષની મીરાંબાઈ ચાનુએ એ દિવસે મેડલ જીત્યા બાદ પોતાને સૌથી ભાવતી વાનગીની મજા માણી હતી. તેણે પેટ ભરીને પિત્ઝા ખાધા હતા.

મીરાંબાઈ ચાનુએ સામાન્ય રીતે ખાવા-પીવા પર અંકુશ રાખવો જ પડતો જ હોય છે અને ખાસ કરીને વેઇટલિફ્ટિંગની ઇવેન્ટના ત્રણ દિવસ પહેલાં તેણે 48 કિલો વજનની કૅટેગરી જાળવવા માટે વધુ કાળજી રાખવી પડે છે એટલે જ તેણે રવિવારની કૉમનવેલ્થની ઇવેન્ટ અગાઉ ત્રણ દિવસ કંઈ ખાધું-પીધું નહોતું. તેણે રવિવારે કુલ 190 કિલો (સ્નૅચમાં 85 કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં 105 કિલો) વજન ઊંચકીને વિક્રમજનક પર્ફોર્મ કર્યું હતું.

ચાનુ આ રમતોત્સવ પહેલાં ટ્રેઇનિંગ સેશન માટે ઇંગ્લૅન્ડના બર્મિંગમમાં હતી ત્યારે તેની સાથે થોડી વાતચીત થઈ ત્યારે તેને પૂછ્યું કે કૉમનવેલ્થમાં મેડલ જીતીશ ત્યાર પછી સૌથી પહેલાં તું શેની ઇચ્છા રાખીશ? ત્યારે તેણે કહ્યું, `તમે મારા માટે પિત્ઝા લેતા આવજો.'

રવિવારે ચાનુ ગોલ્ડ મેડલ જીતી ત્યાર બાદ પત્રકારો તેના માટે પિત્ઝા લઈને ગયા હતા. ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને કહ્યું. `મેં ઘણા દિવસથી પૂરતું ખાધું નહોતું અને હવે તમે મારા ફેવરિટ પિત્ઝા લઈને આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું હવે જ્યારે પણ ચંદ્રક જીતું ત્યારે તમે મારા માટે પિત્ઝા જરૂરથી લાવજો.'

થોડા સમય પહેલાં ચાનુએ એક મુલાકાતમાં કહેલું, `મને જન્ક ફૂડ ખૂબ ભાવે અને એમાં પણ પિત્ઝા (Pizza) તો મારા મોસ્ટ ફેવરિટ છે. જોકે મારે 48 કિલો વજની કૅટેગરી જાળવવા ઇવેન્ટ પહેલાં તેમ જ ટ્રેઇનિંગ અગાઉ પિત્ઝા ખાવાનું ટાળવું પડે છે.'

માથા પર તિરંગાના કલરવાળી હેર-પિન અને આંખોમાં હર્ષના આંસુ

મીરાંબાઈ ચાનુ જ્યારે પણ વિશ્વ સ્તરની હરીફાઈમાં ભાગ લે છે ત્યારે દેશભક્તિને ધ્યાનમાં રાખીને એવું કંઈક પહેરે કે જેનાથી તે ભારતની ઓળખ આપી શકે તેમ જ પોતાના માટે પ્રેરણારૂપ બની રહે. ટોક્યો ઑલિમ્પિક્સ વખતે તેણે કાનમાં ઑલિમ્પિક ગેમ્સની ઇયરિંગ પહેરી હતી. ગયા વખતે એક ઇવેન્ટમાં તેણે ભારતના તિરંગાના રંગવાળા નેઇલ પેઇન્ટ કરાવ્યા હતા. આ વખતે પણ તેને વેઇટલિફ્ટિંગના મુકાબલામાં આગલી રાત્રે તેને થયું કે ભારતની પહેચાન આપી શકાય એવું કંઈક તો કરવું જ છે.

ચાનુ (Chanu)ને વિચાર આવ્યો કે નખ તો બધા જ રંગતા હોય છે એટલે કંઈક જૂદું કરવું. સમય નહોતો એટલે તેણે શનિવારે રાત્રે જાતે પતંગિયાના આકારવાળી હેર-પિન બનાવી હતી. તેણે એ હેર-પિન તિરંગાના રંગ જેવી રિબનથી બનાવી હતી. રવિવારે તે એ હેર-પિન પહેરીને ખૂબ ગૌરવ અનુભવતી હતી અને ગોલ્ડ મેડલ જીતી હતી. કૉમનવેલ્થ ગેમ્સની વેઇટલિફ્ટિંગમાં આ તેનો હૅટ-ટ્રિક ગોલ્ડ મેડલ હતો. આ પહેલાં તે 2018 અને 2022ની કૉમનવેલ્થમાં પણ સુવર્ણચંદ્રક જીતી હતી.

ઑલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ ચાનુએ રવિવારે સુવર્ણચંદ્રક જીત્યા પછી કહ્યું, `મંચ પર ઊભા રહીને તિરંગો જોતી વખતે અને રાષ્ટ્ર ગીત સાંભળતી વખતે સ્વાભાવિક રીતે મારી આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. આ વખતની કૉમનવેલ્થમાં દેશનો પહેલો ગોલ્ડ મેડલ હું જીતી એનો મને બેહદ આનંદ હતો. મારી આંખોમાં એ હર્ષનાં આંસુ હતાં. મારા વિજય માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવા બદલ હું ભારતીય જનતાની આભારી છું.'

ચાનુએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, `હું ઘણા નાના-મોટા ચંદ્રકો જીતી છું, પણ એમાં એશિયન ગેમ્સનો એક પણ મેડલ નથી જે હવે મારે સપ્ટેમ્બરમાં જાપાનની એશિયન ગેમ્સમાં જીતવો જ છે. મારે મારા દેશ માટે, મારાં મમ્મી માટે, મારા કોચ માટે ગોલ્ડ મેડલ જીતવો જ છે.'