Tue Aug 18 2026

Logo

2030ના યજમાન ભારતે સ્હેજ માટે 2026ના યજમાન સ્કૉટલૅન્ડને પાછળ રાખી દીધું: જાણો કેવી રીતે...

2026-08-03 16:34:00
Author: Ajay Motiwala
Article Image

AP


બન્નેના ગોલ્ડ અને કુલ ચંદ્રક એકસરખા, પણ સિલ્વર વધુ હોવાથી ભારત ચોથા નંબર

અજય મોતીવાલા

મુંબઈ: રવિવારે પૂરી થયેલી 74 દેશ વચ્ચેની કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં ટોચના ત્રણ દેશ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને કૅનેડાના સ્પર્ધકો સામે ભારત પાછળ ઘણું રહ્યું હતું, પરંતુ ભારતની મુખ્ય હરીફાઈ યજમાન દેશ સ્કૉટલૅન્ડ સાથે હતી જેમાં ભારત મેદાન મારી ગયું.

સ્કૉટલૅન્ડ ઘણા દિવસથી ચોથા નંબર પર રહ્યું હતું, પરંતુ ભારત (INDIA)ને મહિલા બૉક્સરોના પાંચ ગોલ્ડ મેડલના તરખાટ બાદ રમતોત્સવના છેલ્લા તબક્કામાં બે પુરુષ બૉક્સરો (સચિન સિવાચ અને અંકુશ પંઘાલ)એ સુવર્ણચંદ્રક અપાવ્યા એને લીધે ભારત કુલ 13 ગોલ્ડ સાથે સ્કૉટલૅન્ડની બરાબરીમાં થઈ ગયું હતું. હવે ચોથા અને પાંચમા નંબરે કોણ એ નક્કી થવાનું હતું. બંને દેશના ગોલ્ડ મેડલ (13-13) ઉપરાંત કુલ ચંદ્રકની સંખ્યા પણ એકસરખી (39-39) હતી. હવે બન્યું એવું કે ભારતના 17 સિલ્વર મેડલ સામે સ્કૉટલૅન્ડના માત્ર નવ સિલ્વર હતા અને ભારતના નવ બ્રોન્ઝ સામે સ્કૉટલૅન્ડના 17 બ્રોન્ઝ હતા. બંને દેશ 13-13 ગોલ્ડ સાથે બરાબરીમાં હતા એટલે ચોથા નંબર પર કોણ એ નક્કી થવાનું હતું. ભારત (INDIA)ના સિલ્વર મેડલની સંખ્યા 17 હતી, જયારે સ્કૉટલૅન્ડના સિલ્વર મેડલની સંખ્યા નવ રહી એટલે ભારતને ચોથા નંબર પર આવી જવા મળ્યું અને યજમાન સ્કૉટલૅન્ડ પાંચમા નંબર પર ગયું.

મેડલ-ટેબલમાં દરેક દેશનો ક્રમ એણે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા એના પરથી નક્કી થાય છે. ઑસ્ટ્રેલિયા (70 ગોલ્ડ સહિત કુલ 171 મેડલ) પહેલા નંબરે, ઇંગ્લૅન્ડ (29 ગોલ્ડ સહિત કુલ 110 મેડલ) બીજા નંબરે અને કૅનેડા (19 ગોલ્ડ સહિત કુલ 63 ચંદ્રક) ત્રીજા નંબરે રહ્યું હતું.

આ વખતે કેમ ભારતને ઓછા ચંદ્રક મળ્યા?

ભારત 2022ની ગઈ કૉમનવેલ્થ ગેમ્સમાં બૅડમિન્ટન, ટેબલ ટેનિસ, કુસ્તી, ક્રિકેટ, હૉકી જેવી ફેવરેબલ રમતો હોવાને કારણે 21 ગોલ્ડ મેડલ સહિત કુલ 60 ચંદ્રક જીત્યું હતું. જોકે આ વખતે 20ને બદલે કુલ માત્ર 10 રમતની હરીફાઈ હોવાથી ભારતને ફક્ત 13 ગોલ્ડ સહિત કુલ 39 ચંદ્રક મળ્યા છે. જોકે 2030ની અમદાવાદની કૉમનવેલ્થ ગેમ્સમાં આ વખત કરતાં વધુ રમતોમાં હરીફાઈ થશે એટલે ભારત વધુ ચંદ્રક જીતી શકશે.

ભારતને 13માંથી આઠ ગોલ્ડ મહિલાઓએ અપાવ્યા

આ વખતે ભારતને 13માંથી 8 ગોલ્ડ મેડલ મહિલા સ્પર્ધકોએ અપાવ્યા જેમાં મીરાબાઈ ચાનુ (વેઇટલિફ્ટિંગ), શર્મિલા ધનખડ (દિવ્યાંગો માટેની ઍથ્લેટિક્સ), અસ્મિતા ડે (જૂડો), પ્રીતિ પન્વાર, જૈસ્મિન લંબોરીયા, પ્રિયા ઘંઘસ, સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરી (તમામ બૉક્સિંગમાં)નો સમાવેશ છે.