Mon Oct 05 2026

Logo

અમરાવતીમાં ફૂડ પોઈઝનિંગથી ચકચારઃ 3 આશ્રમશાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

2026-07-27 20:15:10
Author: Mumbai Samachar Team
અમરાવતીમાં ફૂડ પોઈઝનિંગથી ચકચારઃ 3 આશ્રમશાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે ત્રણ સરકારી આશ્રમશાળાના 100થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ઉલ્ટી સહિતની તકલીફો શરૂ થઈ હતી. ઘટનાને પગલે શાળાઓમાં ચકચાર મચી ગઈ હતી.

ધારણી તાલુકાની આશ્રમશાળાઓમાં ભોજન પૂરું પાડતી સેન્ટ્રલ કિચનના સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણે માહિતી આપતા ધારણીના ટ્રાઈબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સિદ્ધાર્થ શુક્લાએ જણાવ્યું હતું કે 69 વિદ્યાર્થીઓને ધારણીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ રવિવારે ધારણી તાલુકાની બિજુધવડી અને સાવલીખેડા સ્થિત સરકારી આશ્રમશાળાના આશરે 70 વિદ્યાર્થીઓમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. આ વિદ્યાર્થીઓને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

મોટા ભાગના વિદ્યાર્થીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી, જ્યારે 32 વિદ્યાર્થીઓને હાલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર હોવાની માહિતી અધિકારીઓએ આપી હતી. હાલ આ ઘટના બદલ ફરિયાદ નોંધી આગળની  તપાસ હાથ ધરાઈ છે.