ગત એપ્રિલમાં સોનાની આયાત 30 વર્ષના તળિયે રહેવાનો અંદાજ
ગત સપ્તાહ દરમિયાન અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે શાંતિકરાર થઈ જવાના આશાવાદ વચ્ચે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ઘટીને એક તબક્કે બેરલદીઠ 100 ડૉલરની પણ અંદર ઊતરી ગયા હતા અને સપ્તાહના અંતે પણ બેરલદીઠ 100.49 ડૉલરના મથાળે બંધ રહ્યા હતા. આમ એકંદરે ક્રૂડતેલના ભાવમાં પીછેહઠની સાથે લાંબાગાળે ફુગાવાલક્ષી દબાણ ઓછું થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ 2026ના અંત આસપાસ ઓછમાં ઓછું એક વખત તો વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો. તેમ જ ક્રૂડતેલમાં પીછેહઠની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા વિશ્વ બજારમાં સોના-ચાંદી અને પ્લેટિનમ સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 2.3 ટકા આસપાસની વૃદ્ધિ જોવા મળી હતી. જોકે, સ્થાનિક સ્તરે ઊંચા મથાળેથી માગ નબળી રહેતાં ગત એપ્રિલ મહિનામાં દેશની સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
આમ એકંદરે વૈશ્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાથી ડૉલર સામે રૂપિયો 133 પૈસા મજબૂત થયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટતાં વિશ્વ બજારના 2.3 ટકાના સુધારા સામે માત્ર 0.54 ટકાનો અથવા તો 10 ગ્રામદીઠ રૂ. 815નો સાધારણ સુધારો નોંધાયો હતો. જોકે, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતાં ભાવમાં 6.35 ટકાનો અથવા તો કિલોદીઠ રૂ. 15,269નો ઉછાળો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 30મી એપ્રિલના રૂ. 1,50,263ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,48,357ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,47,557 અને ઉપરમાં રૂ. 1,51,237ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 815ના સુધારા સાથે રૂ. 1,51,078ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહનાિ અંતના રૂ. 2,40,331ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 2,44,237ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,39,502 અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. 2,55,600ના મથાળે બંધ રહ્યા હતા.
સપ્તાહ દરમિયાન સ્થાનિકમાં વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ હાલમાં લગ્નસરાની મોસમ પણ ચાલી રહી હોવા છતાં સોનામાં રિટેલ સ્તરની માગ સુસ્ત રહી હોવાનું હૈદ્રાબાદસ્થિત એક જ્વેલરે જણાવતાં ઉમેર્યું હતું કે લગ્નની મોસમ પુરબહારમાં હોવા છતાં સ્થાનિક સ્તરે સોનાની ઊંચી સપાટી અપેક્ષિત માગ રૂંધી રહી છે. જોકે, બજારમાં સોનાની લગડી અને કોઈનમાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગ જોવા મળી રહી છે. વધુમાં રિટેલ સ્તરની માગ ઘટવાને કારણે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ નિરસ રહેતાં સ્થાનિકમાં ગત સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 15 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો સોનાના ભાવ આૈંસદીઠ પાંચ ડૉલર ડિસ્કાઉન્ટથી નવ ડૉલર સુધીના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. ઊંચા મથાળેથી સોનામાં માગ રૂંધાઈ રહી હોવાને કારણે ગત એપ્રિલ મહિનામાં દેશમાં સોનાની આયાત ઘટીને 30 વર્ષની નીચી 15 ટન આસપાસની સપાટીએ રહેવાનો અંદાજ ઉદ્યોગનાં સૂત્રો અને સરકારી સૂત્રો મૂકી રહ્યા છે.
ગત સપ્તાહના આરંભમાં ક્રૂડતેલના ઊંચા ભાવ રહ્યા બાદ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિકરાર થવાના આશાવાદ સાથે સપ્તાહના અંતે ઊંચા મથાળેથી નવ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાથી ફુગાવલક્ષી દબાણ ઘટવાની સાથે ફેડરલ રિઝર્વ માટે વ્યાજદરમાં કપાત માટે અવકાશ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં લેતા સોનામાં સુધારાને ટેકો મળ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર અમેરિકાએ પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા ઈરાનને એક પાનાનું મેમોરન્ડમ મોકલવામાં આવ્યું છે, જેનો હેતુ ઔપચારિક રીતે સંઘર્ષનો અંત લાવવો અને ધીરે ધીરે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવાનો છે. આ પ્રસ્તાવનો ઈરાન થોડાં સમયમાં જવાબ આપે તેવી ધારણા મુકાઈ રહી છે. જોકે, અમેરિકી પ્રમુખે ચેતવણીનો ઉચ્ચાર કરતાં કહ્યું હતું કે ઈરાન આ દરખાસ્તને સ્વીકારશે એવું માનવું અકળ છે, પરંતુ જો ઈરાન તેનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો ફરીથી લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પનાં આ નિવેદન પશ્ચાત્ ક્રૂડતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે સંઘર્ષ સાથે સંકળાયેલી અછત વચ્ચે ઘણા દેશો ક્રૂડતેલ માટે અમેરિકન પુરવઠા તરફ વળ્યા હોવાથી ગયા અઠવાડિયે યુ. એસ. તેલની નિકાસ વિક્રમી ઊંચાઈએ પહોંચી હતી. આગામી સપ્તાહે સોનાના ભાવની વધઘટ મુખ્યત્વે ક્રૂડતેલની વધઘટ પર અવલંબિત રહેશે. અર્થાત ક્રૂડતેલના ભાવ ઘટતાં સોનામાં સુધારો અને ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં સોનામાં પીછેહઠ જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જનાં કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 4719.68 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 4730.70 ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.50 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 80.40 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. એકંદરે અમેરિકા અને ઈરાન વચ્ચેનાં શાંતિ કરાર થવાના આશાવાદ સાથે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થવાથી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કપાત થાય તેવી શક્યતા વધવાને કારણે સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું હાઈ રીજ ફ્યુચર્સનાં વિશ્લેષક ડેવિડ મીજરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ એક વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી 14 ટકા શક્યતા ગઈકાલે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો મૂકી રહ્યા હતા.