મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ના રસોડામાં જીવજંતુઓ મળી આવ્યા હોવાની બાબતની નોંધ લઈને ટિપ્પણી કરી હતી કે શું ખેલાડીઓને ખબર હતી કે તેઓ "નોન-વેજિટેરિયન ચા" પી રહ્યા હતા? કોર્ટે એફડીએને તે કિચનનું ફરીથી નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે એમસીએને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે તે પહેલાં તેના ખાણી-પીણીના સ્થળોની સફાઈ કરવા પણ કહ્યું હતું.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયાધીશ ગૌતમ અંખડની ખંડપીઠ એમસીએ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ અરજીઓમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત ક્રિકેટ સંસ્થાના પરિસરમાં ચાલતી પાંચ રેસ્ટોરાના લાઇસન્સ, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ગંભીર નિયમોના ભંગ બદલ સ્થગિત કરવાના એફડીએના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
એમસીએ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિક્રમ નાનકાનીએ જણાવ્યું હતું કે એફડીએ એ સૌપ્રથમ 'સુધારણા નોટિસ' જારી કરવી જોઈતી હતી, જેથી ખામીઓ સુધારવાની તક મળી શકે. જોકે, બેન્ચે આ દલીલ એમ કહીને ફગાવી દીધી હતી કે જ્યારે તપાસ દરમિયાન "ગંભીર ઉલ્લંઘનો" જોવા મળ્યા હોય ત્યારે આ જરૂરી નથી.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે ન્યાયી સંતુલન જાળવવા માટે, એફડીએ ગુરુવારે તે પાંચેય ખાણીપીણીના સ્થળોની ફરીથી તપાસ કરશે અને એમસીએ ત્યાં સુધીમાં તે પરિસરની સફાઈ કરી લેશે. હાઈ કોર્ટે નોંધ્યું કે રાજ્યના લોકો એફડીએની કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી કરવાની જરૂર છે.